વડોદરા,તા.૧૦

વડોદરા શહેરના જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે છેલ્લા દસ દિવસથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા પાલિકાના મેયરના રહેણાક નજીકના વિસ્તારમાં આ ઘટના બની હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા સૂચક મૌન સેવીને પાલિકાની ડ્રેનેજ અને વરસાદી ગટરની લાઈનોને નુકશાન પહોંચાડનાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા અનેક અટકળો તેજ બની છે. આ ઈઁજારદારો સાથે તંત્ર સંકળાયેલું હોવાના પણ આક્ષેપો થઇ રહયા છે. તાજેતરમાં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે ડ્રેનેજ લાઈન તૂટી જતા છેલ્લા દસ દિવસથી દુર્ગંધ મારતું ડ્રેનેજનું દૂષિત પાણી ઉભરાઈ રહ્યું છે. દુર્ગંધ મારતું ડ્રેનેજનું દુષિત પાણી રોડ પર અને ફૂટપાથ પર ફરી વળતા સ્થાનિક દુકાનદારો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ અંગે સ્થાનિક કાઉન્સિલર બાળુંભાઇ સુર્વેએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને આ બાબતે રજૂઆત કરતા તેમણે ઉદ્‌ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને યોગ્ય ઉત્તર આપ્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભંગાણના કારણે ગુરુવારે રાત્રે જ ટુ વ્હીલર વાહન ચાલકને અકસ્માત નડતા ઈજાઓ પહોંચી હતી.