વડોદરા, તા.૯

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે જરૂરી ગુજરાતના જિલ્લામાં ૧૦૦ ટકા જમીન સંપાદન થઈ ગઈ છે. જ્યારે દાદરા-નગર-હવેલીમાં પણ ૧૦૦ ટકા, જ્યારે મહારાષ્ટ્રમાં ૯૯.૮૩ ટકા જમીન સંપાદન થઈ ગઈ છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આગામી ૬ થી ૮ મહિનામાં શરૂ થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

બુલેટ ટ્રેન એટલે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. દ્વારા પૂરજાેશમાં આ કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ સુરત શહેરમાં એનએચ પ૩ પર ૭૦ મીટર લાંબા હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલના પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે હાઈસ્પીડ રેલ કોર્પોેરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે જરૂરી ૧૩૮૮.૭૫ હેકટર જમીન પૈકી ૯૯.૯પ ટકા જમીન સંપાદિત થઈ ગઈ છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ગુજરાતના ૭ જિલ્લા, દાદરા-નગર-હવેલી અને મહારાષ્ટ્રના ઠાણે, પાલઘર અને મુંબઈથી પસાર થનાર છે ત્યારે ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ એમ ૮ જિલ્લામાં આ પ્રોજેક્ટ માટે જરૂરી ૯૫૧.૧૪ હેકટર જમીન પૈકી તમામ એટલે કે ૧૦૦ ટકા જમીન સંપાદિત થઈ ગઈ છે.

તેવી જ રીતે, દાદરા-નગર-હવેલીમાં જરૂરી ૭.૯૦ હેકટર ૧૦૦ ટકા જમીન સંપાદિત થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ૯૯.૮૩ ટકા જગ્યા સંપાદિત થઈ ગઈ છે.

આ પ્રોજેક્ટ માટે ગુજરાતના ૮ જિલ્લામાં ૬૩૩૬ જેટલા ખાનગી પ્લોટ સંપાદિત કરવામાં આવ્યા છે જેમાં સર્વાધિક ૧૧૨૬ પ્લોટની સંખ્યા વલસાડમાં અને ત્યાર પછી ૧૦૫૭ પ્લોટની સંખ્યા ભરૂચ જિલ્લામાં છે. આમ, બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી રહી છે અને આગામી ૬-૮ મહિનામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કાર્યરત થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.