જામનગર-

વરસાદની એન્ટ્રી વચ્ચે ગુજરાતના ૨૦૬ ડેમોમાં રવિવાર સુધીમાં ૪૮.૯૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે, જેને કારણે સૌરાષ્ટ્રના ૧૪૦માંથી ૧૯ ડેમો અત્યારે છલોછલ એટલે કે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમને બાદ કરતાં રાજ્યના ૨૦૫ ડેમો પૈકી અત્યારે ૪૫ ડેમો ૯૦ ટકા કરતાં વધુ ભરાયા હોવાથી હાઈએલર્ટનું સિગ્નલ અપાયું છે. બાકી ૧૦ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો છે, જ્યાં એલર્ટ અપાયું છે. ૮ ડેમોમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો જથ્થો છે. મહત્ત્વનું છે કે, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૬.૭૫ ટકા જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં આવેલા ૧૭ ડેમોમાં અત્યારે ૪૪.૭૧ ટકા પાણીનો સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૪૭.૬૫ ટકા જળસ્તર છે, કચ્છ જિલ્લાના ૨૦ ડેમોમાં ૩૯.૧૯ ટકા પાણી સંગ્રહાયેલો છે.

સૌરાષ્ટ્રના ૧૪૦ ડેમોમાં ૫૩.૦૭ ટકા તો સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થયો હોવાથી ડેમોની સપાટી વધી છે. મહત્ત્વનું છે કે, આ વખતે ઉનાળામાં પાણીના પોકાર ઓછા થયા હતા. ગત વર્ષની તુલનાએ આ વખતે પાણીનું સ્તર વધુ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં શનિવારે રાતથી વરસાદ શરૂ થયો હતો. જે રવિવારે સવારે પણ યથાવત રહ્યો હતો. બપોર સુધી ધીમી ધારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી હતી. દરમિયાન શનિવારે સાંજે ૬ વાગ્યાથી રવિવારે સાંજ ૬ વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં સવા પાંચ ઇંચ જ્યારે કપરડા અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં ત્રણ ઇંચ,

માંગરોળમાં અઢી ઇંચ અને પલસાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પોણો ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ૧૦થી રવિવારે સાંજે ૬ સુધીના ગાળા દરમિયાન ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ થયો હતો. આ તાલુકામાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ,વાપી, પારડી,કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર એન વડોદરામાં પણ રવિવારે વરસાદ થયો હતો. વલભીપુરમાં બે ઈંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં એક ઇંચ જ્યારે વડોદરામાં દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો.