રાજકોટ-

હવે ગિરનારની ટોચ ઉપર મોરારી બાપુ રામકથા કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, શ્રોતાઓ વિનાની ચેનલોના લાઈવ પ્રસારણ થનાર આ ઈ કથા માટેની સર્વેની કામગીરી આરંભાઇ છે, જો જુનાગઢના સાધુ સંતોની મંજૂરી મળશે, તો મોરારીબાપુની શ્રોતા વિનાની આ પાંચમી રામકથા બનશે.

પ્રખર રામાયણી મોરારિબાપુએ તલગાજરડામાં રામ મંદિર, હનુમાન મંદિર, ત્રિભુવન ફૂટીયા તેમજ સેંજળમાં તેમના ગુરુ સ્થાન જ્ઞાન સ્વામીબાપાની સમાધી પાસે ઈ રામકથા યોજી હતી અને હવે તેમની મહેચ્છા ગિરનારની ટોચ ઉપર ઈ રામ કથા કરવાની છે.

મળતી માહિતી મુજબ મોરારીબાપુની ગિરનાર પર આવેલ કમંડળ કુંડ ખાતે ઈ રામકથા યોજાય તે માટે કનેક્ટિવિટી અને સતત લાઈટ પુરવઠો મળી રહે તે માટેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કથા કરવા માટે કથાના દિવસો દરમિયાન મોરારીબાપુ સહિતની ટીમ માટે રોકાણ, ભોજનની વ્યવસ્થા, કથા માટે માઈક, સાઉન્ડ સિસ્ટમ તથા જરૂરી સાધન, સામગ્રી અને સામાન ઉપલબ્ધ થશે કે કેમ એ અંગે હાલમાં ગોઠવાઈ રહ્યું છે. જો જૂનાગઢના સંતો મહંતોની મંજૂરી મળશે તો સંભવત શરદ પૂનમ ના આસપાસના દિવસોમાં મોરારીબાપુની એક પણ શ્રોતા વિનાની આ પાંચમી ઇ રામ કથા બનશે, જે રામકથાનું ટીવી ચેનલ પર જિવંત પ્રસારણ કરવામાં આવશે.