વડોદરા, કોમર્સ ફેકલ્ટીમાં સત્તાવાર જાહેરાત કે વિચારણા કર્યા વિના ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે શહેરના મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા છેલ્લા છ દિવસથી સતત વિરોધ પ્રદર્શન યોજીને વિરોધ દર્શાવતું હતું પરતું સત્તાધીશો કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપતા આખરે તેઓએ વી.સી.નું પુતળું સળગાવીને વિરોધ દર્શાવતા દસ વિદ્યાર્થીઓની અટકાયત બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

મ.સ. યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં સત્તાધીશો દ્વારા એકાએક માત્ર પાંચ હજાર ત્રણસો વીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતેની જાહેરાત કરતા અનેક વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે અગિયાર હજાર ઉપરાંત રજીસ્ટ્રેશન થયાની સામે માત્ર પાંચ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે યોગ્ય ન હોવાથી યુનિ.નું શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલાં જ એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોેધ પ્રદર્શન યોજીને સીટ વધારાની માંગ કરી હતી. સતત છ દિવસ સુધી ધરણાં કાર્યક્રમ યોજયો હતો. તેઓેએ થોડા દિવસ સુધી શાંંતિપૂર્ણ રીતે દેખાવો કરીને માંગ પૂરી કરવા માટેની માંગણી કરી હતી. પરતું સત્તાધીશો કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપતા પ્રથમ તેઓએ રામધૂન બોલાવ્યા બાદ ઉગ્ર આંદોલનને પગલે કોમર્સ ફેકલ્ટીની બહાર વાઈસ ચાન્સેલરના પૂતળાનું દહન કર્યું હતું.

કમિટી રચીને સીટ વધારવા નિર્ણય લેવાની બાંયધરી આપી

 એજીએસયુના પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે , સત્તાધીશોનું પૂતળું બાળ્યા બાદ ચિંતાનો માહોલ સર્જાતા સત્તાધીશોએ મૌખિક બાયધરી આપીને જણાવ્યું હતું કે તમારી માગને ધ્યાનમાં રાખીને સોમવારે કમિટીની રચના કરીને મિટીંગ યોજવામાં આવશે. તે પછી સીટ વધારવાનો નિર્ણય લેવામાં આવશે માટે આ આંદોલન સ્થગિત રાખવાનું જણાવતા આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું છે અને જાે વ્યાજબી રીતે માંગ સંતોષવામાં નહી આવે તો ફરીથી આંદોલન શરુ કરવામાં આવશે.