બાયડ : બાયડ નગરપાલિકા બન્યા પછી કેટલાય વિસ્તારોમાં આજ દિન સુધી નગરપાલિકાનો હાથ પહોંચ્યો ના હોય તેવું દેખાઈ રહ્યું છે. જેમાં ગટર લાઈનનો પ્રશ્ન નગરની જનતા માટે માથાના દુખાવા સમાન થઈ ગયો છે. કેટલાય વિસ્તારોમાં આજ દિન સુધી સ્વચ્છતાના નામે માત્રને માત્ર મીંડું જોવા મળી રહયું છે. બાયડ બસ સ્ટેશન પાછળ આવેલ લાખેશ્વરી, અને ભુખેલ રોડ વિસ્તાર તેમજ ગાબટ રોડ ઉપર કેટલીય સોસાયટીમાં ગટર લાઈન ઉભરાવાથી મોટાપાયે ગંદકી ફેલાઈ છે. જેમાં બાયડ તા. પં.ના પાછળના ભાગે પાણી ભરાઈ જવાથી આવેલી શિવદર્શન સોસાયટી તેમજ તાલુકા પંચાયતની અડીને આવેલ પંજાબી ફળીમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. તાલુકા પંચાયતની અંદર તેમજ પાછળની બાજુએ પાણી ભરાવાના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેથી પંજાબી ફળીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.