વડોદરા : સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ વડોદરા-ર કમિશનરેટ દ્વારા દાહોદ અને અમદાવાદની આસપાસના વિસ્તારમાં ૧૧પથી વધુ બોગસ ફર્મ ખોલીને રૂા.પ૦.ર૪ કરોડની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારની ધરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડ કરનાર સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.  

વડોદરા સેન્ટ્રલ જીએસટી એન્ડ એક્સાઈઝ વિભાગ વડોદરા-ર કમિશનરેટ દ્વારા ઈ-વે બિલ ડેટા, જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૧ના ડેટાનું એનાલિસીસ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીએના ફાઈનલ ઈયરમાં અભ્યાસ કરતા પ્રિન્સ મનીષકુમાર ખત્રીએ દાહોદ અને અમદાવાદની આસપાસ ૧૧૫ ઉપરાંત બોગસ ફર્મ ખોલીને ઈનવોઈસ જનરેટ કર્યા હતા. ફેક ફર્મ ખોલવા માટે તેને અમદાવાદ દાહોદમાં કામ કરતા અલગ અલગ મજૂરો અને ગ્રામજનોના ફેક આઈડીનો ઉપયોગ કર્યો હતો અને તેના દ્વારા બિલો જનરેટ કરીને રૂા.પ૦ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવી લીધી હતી અને આવી જે ગ્રામજનો, મજૂરો પાસેથી લીધા હતા તેમને માસિક રકમ ચૂકવવાની ખાતરી પણ આપી હતી.

સેન્ટ્રલ જીએસટી વિભાગે ડેટા એનાલિસીસના આધારે પ્રિન્સ મનીષકુમાર ખત્રીની ધરપકડ કરીને સયાજી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાયા બાદ તેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો. આ સંદર્ભે સેન્ટ્રલ જીએસટી વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.