પાલનપુર-

કોરોના સંક્રમણમાં પિડાઇ રહેલા લોકોની લાચારી સામે આવી છે. એક વિડીયો એવો વાયરલ થયો છે કે જેમાં ધારાસભ્યએ પણ હાથ ઉંચા કરી દીધા છે. જર-જવેરાત વેચીને લોકો પોતાના સ્વજનની સારવાર કરાવવા માટે તૈયાર થાય છે છતાં હોસ્પિટલમાં બેડ કે ઓક્સિજન ઉપલબ્ધ નથી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો એક કિસ્સો એવો છે કે જેમાં યુવકની લાચારી સામે ખુદ ધારાસભ્યએ હાથ ઉંચા કરી દીધા છે. સંવાદનો જે ઓડિયો વાયરલ થયો છે તેમાં યુવક તેના વિસ્તારના ધારાસભ્યને આજીજી કરી રહ્યો છે. તે ઓક્સિજનની બોટલના રેગ્યુલેટરની માગણી કરે છે પરંતુ તેને મળતું નથી. આ યુવક ખુદની જમીન આપી દેવા તૈયાર છે. પાલનપુર તાલુકાના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓના સગાં હોસ્પિટલ મેળવવા માટે ભટકી રહ્યાં છે છતાં તેમને જગ્યા મળતી નથી. ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો પૈકી પ્રત્યેક ૧૦૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરાવી શકે તેમ છે. જાે તેમ થાય તો ગુજરાતને ૧૮૨૦૦૦ જેટલા બેડ ઉપલબ્ધ થઇ શકે છે પરંતુ રાજકીય નેતાઓને તેમના મતદારોની ક્યાં પડી છે. તેઓ ફોન ઉપાડતા નથી અને જાે ઉપાડે છે તો સરખા જવાબ પણ આપી શકતા નથી.

પ્રકાશ ચૌધરી નામના એક યુવકે પાલનપુરના ધારાસભ્યને ફોન કરી સ્વજન માટે ઓક્સિજન અને રેગ્યુલેટરની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે અમે ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચીને ઓક્સિજન સિલિન્ડર લાવ્યા છીએ પરંતુ તેનું રેગ્યુલેટર મળતું નથી. તેણે ધારાસભ્યને કહ્યું કે મને રેગ્યુલેટર આપો, હું મારી જમીન તમારા નામે લખી આપીશ, પરંતુ મારે જીવ બચાવવાનો છે.યુવકની આજીજી છતાં પ્રજાના પ્રતિનિધિ કહે છે કે મારા હાથમાં કંઇ નથી. સરકારે બઘું કલેક્ટર હસ્તક કરી દીધું છે. હું મદદ કરી શકું એમ નથી. પોતાના વિસ્તારના પ્રજાના પ્રતિનિધિનો આ જવાબ સાંભળી યુવકે તેનો ફોન કટ કરી દીધો હતો. આ ઓડિયો સંવાદ વાયરલ થયો છે.