સેન્ટ કિટ્સ-

કેરેબિયન પ્રીમિયર લીગ 2021 (CPL) ને તેનો નવો વિજેતા મળ્યો છે. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સે સેન્ટ લુસિયા કિંગ્સ પર ત્રણ વિકેટથી જીત નોંધાવી હતી. મેચનો હીરો ડોમિનિક ડ્રેક્સે અણનમ 48 રન કરીને ટીમને વિજય અપાવ્યો હતો. સેન્ટ લુસિયા કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રહકીમ કોર્નવોલ, કીમો પોલ અને રોસ્ટન ચેઝની ઇનિંગ્સને કારણે કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. 

જવાબમાં સેન્ટ કીટ્સ ટીમને છેલ્લી 3 ઓવરમાં જીતવા માટે 31 રનની જરૂર હતી અને તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. ડોમિનિક ડ્રેક્સ અને ફેબિયન એલન પીચ પર હાજર હતા. બંને ખેલાડીઓએ 18 મી ઓવરમાં 10 રન ઉમેર્યા હતા. હવે બે ઓવરમાં જીતવા માટે 21 રનની જરૂર હતી. વહાબ રિયાઝે 19 મી ઓવરમાં 11 રન આપ્યા હતા પરંતુ આ ઓવરના પ્રથમ બોલ પર એલન (20) અને પાંચમા બોલ પર શેલ્ડન કોટ્રેલ રન આઉટ થયા હતા. હવે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. ડ્રેક્સે કેસરિક વિલિયમ્સના બોલ પર સ્કોરની બરાબરી કરી અને ટીમને વિજય અપાવવા માટે છેલ્લા બોલ પર એક સિંગલ લીધો.ડ્રેક્સે 24 બોલમાં અણનમ 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તે જ સમયે રોસ્ટન ચેઝને મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો.

જોકે ફાઇનલમાં દરેકની નજર ક્રિસ ગેલ પર હતી, પરંતુ તે રોસ્ટનના બોલ પર શૂન્ય પર બોલ્ડ થયો, જ્યારે સીપીએલમાં સદી ફટકારનાર ઇવિન લુઇસ કોઇ ચમત્કાર બતાવી શક્યો નહીં, માત્ર છ રન બનાવીને આઉટ થયો. એવિન લેવિસ ભારતમાં IPL માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે.

બંને ટીમોએ ફાઇનલમાં પ્રવેશતા પહેલા પોતપોતાની સેમિફાઇનલમાં રોમાંચક જીત નોંધાવી હતી. જ્યારે પેટ્રીયોટ્સે ગુયાના વોરિયર્સ પર સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી, ત્યારે સેન્ટ લુસિયા કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ પર 21 રનની જીત સાથે સતત બીજી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.