ગૌહાટી-

આસામ વિધાનસભામાં મવેશી સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું હતું. હવેથી હિંદુ ધાર્મિક સ્થળો (મઠ-મંદિર વગેરે)ના ૫ કિમીના ક્ષેત્રમાં બીફનું વેચાણ નહીં થઈ શકે. બિલમાં તે સિવાય પણ અનેક જાેગવાઈઓ કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય વિધાનસભામાં વિચારણા માટે 'મવેશી સંરક્ષણ બિલ' રજૂ કર્યું અને જણાવ્યું કે, રાજ્ય અમુક બાબતો પર જાેર આપી રહ્યું છે, જેમ કે રાજ્યની સરહદોની પાર ગૌમાંસના ટ્રાન્સપોર્ટેશન વગેરે પર રોક.

આસામમાં નવો કાયદો પાસ થયા બાદ મવેશીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મારવા માટે નહીં લઈ જઈ શકાય. તેના પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાેકે, જાે કોઈ વ્યક્તિ કૃષિ ગતિવિધિઓ માટે લઈ જવા ઈચ્છે છે તો તેણે મંજૂરી લેવી પડશે. આસામના મુખ્યમંત્રી સરમાએ બિલ રજૂ કરતા કહ્યું કે, 'અમે કેટલીક વસ્તુઓ પ્રતિબંધિત કરવા ઈચ્છીએ છીએ જેમ કે, સરહદ પાર ગૌમાંસનું પરિવહન, મંદિર કે કોઈ હિંદુ ધાર્મિક સ્થળના લગભગ ૫ કિમીના ક્ષેત્રમાં ગૌમાંસનું વેચાણ વગેરે. મવેશીઓનું સંરક્ષણ ધાર્મિક નહીં, વૈજ્ઞાનિક તર્ક છે.' સરમાએ એમ પણ કહ્યું કે, ૧૯૫૦ના મવેશી સંરક્ષણ કાયદામાં મવેશીઓના ટ્રાન્સપોર્ટેશન અને તેમનો ભોજનમાં ઉપયોગ વગેરેને રેગ્યુલેટ કરવા કાયદાકીય જાેગવાઈઓનો અભાવ હતો. તેમણે આસામ વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યમાં અનેક કિલોમીટરના વિસ્તારો છે જ્યાં કોઈ મંદિર નથી અને ૭૦-૮૦,૦૦૦ની વસ્તીઓમાં કોઈ હિંદુ નથી. એવું ન હોય કે, સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે ફક્ત હિંદુ જ જવાબદાર હોય, મુસલમાનોએ પણ જવાબદારી લેવી પડશે. નવા કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી મવેશીને નહીં મારી શકે જ્યાં સુધી તે સંબંધિત ક્ષેત્રના રજિસ્ટર્ડ પશુ ચિકિત્સા અધિકારી દ્વારા જારી કરવામાં આવતું મંજૂરી પ્રમાણ પત્ર ન મેળવી લે.

બિલ પાસ થવું ઐતિહાસિકઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બિલ પાસ થયું તે ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, 'ઐતિહાસિક આસામ મવેશી સંરક્ષણ અધિનિયમ, ૨૦૨૧ પાસ થવા સાથે જ અમારા ચૂંટણી વચનને પૂરૂ કરવાનો ખૂબ જ આનંદ અને ગર્વ છે. મને વિશ્વાસ છે કે, તે પશુઓના ગેરકાયદેસર વેપાર અને ટ્રાન્સપોર્ટેશનને ભારે આંચકો આપશે. તે આપણી પરંપરામાં સદીઓથી પ્રચલિત મવેશીઓની ઉચિત દેખભાળને પણ સુનિશ્ચિત કરશે.