નડિયાદ : “સહી પોષણ - દેશ રોશન”ની થીમ સાથે હાલ પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનાં ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોના પૂરક આહાર માટે આંગણવાડી કેન્દ્રના આંગણામાં જ પોષણયુક્ત શાકભાજી ઉપલબ્ધ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તેનો લાભ લાભાર્થીને મળી રહે તે હેતુસર આઇસીડીએસ નડિયાદ ઘટક-૧ના કુલ ર૦ આંગણવાડી કેન્દ્રોમાં રીંગણ, ટામેટી, મરચી, ફ્લાવર, સરગવો જેવી શાકભાજીના છોડને રોપીને પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવ્યાં છે. આ પોષણ વાટિકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા યોગ્ય રીતે માવજત તેમજ ઉછેર કરી આગામી સમયમાં ઉપલબ્ધ થનારાં શાકભાજી લાભાર્થી બાળકો માટે ઉપયોગમાં લઈ શકાશે. આ શાકભાજી બાળકોના પોષણ સ્તરમાં વૃદ્ધિ લાવવામાં મદદરૂપ થશે, તેમ આઇસીડીએસ નડિયાદના બાળ વિકાસ યોજના અધિકારી રમીલાબેન મારવાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું.