દિલ્હી-

કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલી અધિકારોની લડાઈને લઈને સુપ્રીમ કોર્ટે બંનેને અરીસો બતાવ્યો છે. દિલ્હી રમખાણોના કેસમાં ફેસબુકને વિધાનસભાની શાંતિ વ્યવસ્થા સમિતિ સામે બોલાવવા પર ફેસબુકની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કેન્દ્ર અને દિલ્હી સરકારને શિખામણ આપી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ ઋષિકેશ રૉયની ખંડપીઠે સ્પષ્ટ-સ્પષ્ટ કહ્યું કે, બંને સરકારોએ સાથે કામ કરવું જરૂરી છે.

કોર્ટે દિલ્હી હિંસાને લઈને સોશિયલ મીડિયા અને પોલીસને જવાબદાર ઠેરવનારા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, પરસ્પર તાલમેલથી લોકહિતના કામ કરવામાં આવે છે. કામ કરવાનો રસ્તો હોય છે, ખાલી તેને ઓળખવો પડે છે. અદાલતે કહ્યું કે, એ વિચાર યોગ્ય નથી કે ફક્ત અમારો વિચાર સાચો છે અને બાકી બધા ખોટા. કોર્ટે કહ્યું કે, હાઇવે પર પણ બંને તરફ જાેઇને પોતાનો રસ્તો પસંદ કરવાનો હોય છે. કોર્ટે કહ્યું કે, જનતા લોકસભા માટે કોઈ બીજી પાર્ટીના ઉમેદવારને જીતાડે છે અને વિધાનસભા માટે કોઈ બીજી પાર્ટીના, આનાથી મતદારોની પરિપક્વતાની ખબર પડે છે. આવી જ પરિપક્વતા સરકાર ચલાવનારાઓમાં પણ હોવી જરૂરી છે. કેન્દ્ર સરકારને અરીસો બતાવતા કહ્યું કે, તેમણે પણ ગંભીરતાથી વર્તવું જાેઈએ. સમસ્યા પર વાતચીતથી તેને સરળતાથી ઉકેલી શકાય છે, ના કે અદાલતોમાં શ્રમ-પૈસા અને સમયનો બગાડ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, પહેલા પણ કેન્દ્ર અને દિલ્હીમાં અલગ-અલગ વિચારધારાઓવાળી સરકારો રહી, પરંતું દિલ્હીમાં આટલો તણાવ, ધાંધલધમાલ અને કેસ કોર્ટમાં ગયા નહોતા, પરંતુ હાલના વર્ષોમાં આ બધુ વધારે થઈ રહ્યું છે, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.