રાજપીપળા,તા.૧૮

 ડેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી છે.નર્મદા જિલ્લા બહાર રેહવાની શરતો રદ કરવા રાજપીપળા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરતા હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. આમ આદમીનાં ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસ સમર્થન સાથે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનાં છે.ડેડીયાપાડા વન કર્મીઓ પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહિ કરવાની શરતે જામીન મળ્યા હતા.ડેડીયાપાડા વિધાનસભાના ૨,૨૨,૭૦૦ મતદારો ભરૂચ બેઠકની જીત માટે મોટો આધાર રાખતો હોય ધારાસભ્ય નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારાના મતદારોને મળવા ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા ન્હોતા.જેથી કોર્ટે મુકેલ શરતો રદ કરવાની અરજી ચૈતર વસાવાના વકીલ દ્વારા રાજપીપળા સેશન્સ કોર્ટેમાં કરવામાં આવી હતી.જે અરજીની સુનાવણી બાદ નામદાર કોર્ટ સોમવારે અરજી નામંજુર કરી છે.એટલે ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ નર્મદામાં પ્રચાર કરવા નહિ આવી શકે.

સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ તરફથી દલીલ કરવામાં આવી કે ચૈતર વસાવા પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસને મદદ નથી કરી.સાથે શરતી જમીન પર છૂટ્યા હોવા છતાં બહાર નીકળી જાહેર સભાઓમાં પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોય જાે નર્મદામાં આવા ઉચ્ચારણો કરતા શાંતિ ડહોળાશે, તેમના સર્મથકો ઉશ્કેરાશે.આવી દલીલોને લઈને નર્મદામાં પ્રવેશ નહિ આપવા દલીલ કરતા નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે.