વડોદરા, તા.૮

રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાતની સૈાથી મોટી ગુજરાત યુનિવર્સિટિના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળવાનો વિવાદ શમે તે અગાઉ હવે વડોદરાના આજવારોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત બગીચામાં ગાંજાનો છોડ મળી આવતા ચકચાર મચી છે. લોકસત્તા-જનસત્તાની ટીમે બગીચામાં ઉગાડવામાં આવેલા આ ગાંજાના છોડ અંગે લાઈવ અહેવાલ પ્રસિધ્ધ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી.

આજવારોડ પર આર્યુવેદિક ત્રણ રસ્તાની સામે ગલીમાં આવેલા પરમહંસ શ્રી કેવલાનંદજી મહારાજ ઉદ્યાન (જય ખંડવાવાલા)માં વિવિધ જાતના મોટા વૃક્ષો તેમજ બાળકો માટે રમતગમતના સાધનો હોઈ આ ઉદ્યાનમાં રોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને બાળકો મોર્નિંગવોકમાં તેમજ રમવા માટે આવે છે. જાેકે આ બગીચામાં કેટલાક સમયથી કેટલાક શંકાસ્પદોની પણ બગીચો ખાલી થયા બાદ અવરજવર વધી હોવાની સ્થાનિક રહીશોમાં ચર્ચા શરૂ થઈ હતી. આ અંગેની લોકસત્તા –જનસત્તાની ટીમને પણ માહિતી મળતા શંકાસ્પદો અને નશેડી જેવા લાગતા તત્વોની બગીચામાં વધેલી અવરજવર અંગે લોકસત્તા-જનસત્તાની ટીમે તપાસ કરી હતી જેમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.

આ બગીચાની અંદર જતા વચ્ચેના ભાગે વિશાળ વૃક્ષની પાછળ આશરે ત્રણેક ફુટનો એક છોડ જેને લાકડીની પટ્ટીના ટેકાથી અડીખમ રખાયો હોવાનું નજરે ચઢતા તેની ચકાસણી હાથ ધરાઈ હતી. આ ચકાસણીમાં લીલા પાંદડાવાળો છોડ ગાંજાનો હોવાની વિગતો મળી હતી. એટલું જ નહી આ ગાંજાનો છોડને લાકડીથી ટેકો અપાયેલો હોઈ અને તેની ડાળખીના પાંદડા તુટેલ હોઈ તેનો કેટલાક જાણકારો ઉપયોગ કરતા હોવાનું પણ સપાટી પર આવ્યું છે.

લોકસત્તા-જનસત્તાની ટીમની તપાસમાં આ છોડની આગળ બાંકડા પાસે સિગારેટના વપરાયેલા અડધા ઠુઠા મળ્યા હતા. સિગારેટના આગળ ભાગેથી તમાકુ કાઢી તેની જગ્યાએ આ ગાંજના પાંદડાનો ભુક્કો ભરીને કશ મારીને ફેંકી દેવાયેલા ઠુઠાની સાથે આ સ્થળેની વિદેશી દારૂની ખાલી બોટલ અને માચીસના બોક્સ પણ મળી આવ્યા હતા. આ તમામ વિગતોનો લોકસત્તા-જનસત્તા દ્વારા ઓનલાઈન અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. આ અહેવાલની જાણ થતાં પાણીગેટ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બગીચામાં ઝાડ નીચે ઉગાડવામાં આવેલો છોડ ખરેખર ગાંજાનો છે કે કેમ અને તેને કોણે લગાવ્યો છે તેમજ તેનો ઉપયોગ કોણ-કોણ કરે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.