ભરૂચ,તા.૨૯

આમોદ નગરમાં આવેલી પુરસા રોડ નવીનગરીમાં ગતરોજ રાત્રીના સમયે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પુરસા નગરીના સ્થાનિક રહીશોએ કોંગ્રેસની ચાલુ સભામાં ધારાસભ્યને રજુઆત કરી હતી કે તમે ગઈ વખતે ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી અમારી નગરીમાં આવ્યા નથી, કે કોરોના સમયમાં પણ અમોને જાેવા આવેલા નથી અને હવે તમે વોટ માંગવા આવ્યા છો. તેમ કહેતા નદીમ સાદીક રાણા, અફઝલ સાજીદઅલી રાણા, સાજીદઅલી રાણા( માજી પ્રમુખ આમોદ નગરપાલિકા), બચુશેઠ મછાસરાવાળા (માજી પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ) રણવીરસિંહ મુનિરઅલી રાણા, સલીમ ઇશ્વરસિંહ રાણા ઉર્ફે ઇસુભા રાણાએ સહેબાઝ તથા સાહેદોને સભામાંથી જતા રહેવાનું કહ્યું હતું. જેથી શહેબાઝે સભામાંથી જવાની ના પાડતા આરોપીઓએ ભેગા મળી એક સંપ થઈ નદીમ રાણાએ ઇજા પામનાર સહેબાઝને ડાબા ખભાના ભાગે લાકડીનો સપાટો મારી ફ્રેક્ચર કર્યું. તેમજ અફઝલ સાજીદઅલી રાણાએ બરડાના ભાગે લાકડીનો સપાટો માર્યો હતો. તેમજ સાજીદઅલી રાણાએ બરડાના ભાગે ખુરશી મારી તેમજ બચુશેઠ મછાસરાવાળા તથા રણવીરસિંહ મુનિરઅલી રાણા તથા સલીમ ઇશ્વરસિંહ રાણાએ બરડાના ભાગે ધિક્કા પાટુનો માર મારી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે આમોદ પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ તથા મારમારીની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બન્ને પક્ષના લોકોએ સમાધાન કરવાની કોશિશો વચ્ચે આખરે ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધારાસભ્યે સ્થળ છોડી ભાગવું પડ્યું

આમોદમાં ગતરોજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યએ આમોદમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યા બાદ રાત્રીના સમયે પુરસા રોડ નવીનગરી ખાતે કોંગ્રેસ ઉમેદવાર સંજયસિંહ સોલંકીના પ્રચાર અર્થે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ ચાલુ સભામાં ધારાસભ્ય સંજયસિંહ સોલંકી પહેલીવાર દેખાયા હોવાનું અને નગરીમાં કોઈ કામ કર્યું નથી તેમ કહયું હતું અને કોરોના વખતે અમોને જાેવા પણ આવેલા નથી જેવી રજુઆત કરતા આમોદના કોંગ્રેસી કાર્યકરોએ લોકોની રજુઆત સાંભળવાને બદલે દાદાગીરી કરી સભા છોડી જવાનું કહ્યું હતું. ત્યારે સ્થાનિકોએ જવાની ના પાડતા આરોપીઓએ એક સંપ થઈ રજુઆત કરનાર શહેબાઝને લાકડીના સપાટા મારી ઝૂડી નાખ્યો હતો. ત્યારે મારામારી શરૂ થતા જ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું.