શ્રીનગર-

જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓ અને સિક્યોરિટી વચ્ચે અથડામણ થઇ હતી. સિક્યોરિટીએ બંનેને ઠાર કર્યા હતા અને તેમની ઓળખ કરાઇ રહી હતી. જાે કે આ અથડામણમાં ભારતીય લશ્કરનો એક જવાન પણ ઇજા પામ્યો હતો. આ જવાનને આતંકવાદીની ગોળી પગમાં વાગી હતી. 

સાઉથ કશ્મીરના અવંતિપુરા વિસ્તારના સમ્બુરામાં આતંકવાદી છૂપાયા હોવાની બાતમી મળતાં સિક્યોરિટીએ આ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન અકળાઇ ગયેલા આતંકવાદીઓ સિક્યોરિટી પર ગોળીબાર કર્યો હતો. સિક્યોરિટીએ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં બંને આતંકવાદી ઠાર થયા હતા. બંને કયા જૂથના હતા અને કોણ હતા એની તપાસ સિક્યોરિટીએ ચાલુ કરી હતી.

સિક્યોરિટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે હવે આતંકવાદીઓ નવા નવા ઉપાયો અજમાવી રહ્યા હતા. શૌચાલયોની નીચે બંકર બનાવીને એમાં આ લોકો છૂપાઇને રહેતા હતા. સિક્યોરિટી દળો માનતા હતા કે આતંકવાદીઓ સામે વધેલી તેમની ભીંસ અને વધુ આતંકવાદીઓ ઠાર થવા માંડ્યા એ પછી આતંકવાદી જૂથો સંતાવાના નવા નવા સ્થળો શોધી રહ્યા હતા. એનું એક કારણ એ પણ હોઇ શકે કે સ્થાનિક લોકોની સાથે રહેવામાં આતંકવાદીઓને હવે વધુ જાેખમ જણાતું હતું.

જમ્મુ કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંઘે કહ્યું કે જમ્મુ કશ્મીરમાં એવા એક કરતાં વધુ દાખલા મળ્યા જ્યારે આતંકવાદીઓ શૌચાલયોની નીચે કે સેપ્ટિક ટેંકમાં છૂપાયેલા મળી આવે.