આણંદ, નડિયાદ : ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં શિયાળાનાં પ્રારંભે ઠંડી જામી રહી છે, પણ શાકભાજીની કિંમતોમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે! શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં ભડકો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે! લીલાં શાકભાજીના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો ધરખમ વધારો થયો છે! શાકભાજીની કિંમતો ઊતરવાને બદલે વધી રહી હોવા પાછળ વેપારીઓની સિન્ડિકેટ તો નથી ને? એવાં સવાલો લોકોમાં થઈ રહ્યાં છે. 

બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે. શાકભાજી ડુંગળી-બટાકાનાં ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, જેને લઈને ગૃહિણીઓ દ્વારા રસોઈની થાળીમાં કઠોળનું પ્રમાણ વધારવાની ફરજ પડી છે. આણંદ શહેર સહિત ખેડા આણંદ જિલ્લામાં શિયાળાનાં પ્રારંભમાં જ લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજી અને ડુંગળી-બટાકાની આવકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવ ઘટવાને બદલે રોકેટગતિએ વધી રહ્યાં છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ફરજિયાતપણે રસોઈની થાળીમાં કઠોળનું પ્રમાણ વધારવાની ફરજ પડી છે. આણંદ ખેડા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારમાં પાછોતરો ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ કારણે શાકભાજીનો પાક કહોવાઈ જતાં ભારે નુકશાન પહોંચ્યું છે, જેનાં ફળ સ્વરૂપે સ્થાનિક ખેડૂતો પાસેથી તેમજ રાજ્ય બહારથી આણંદ-ખેડા જિલ્લાનાં શાકમાર્કેટમાં આવતી શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે સાથે જિલ્લા અને રાજ્ય બહારથી પણ શાકભાજીનો જથ્થો આવતો હોવાથી તેની હેરફેર સહિતના ખર્ચને લઈને શાકભાજીના ભાવ ઊંચકાઈ ગયાં હોવાનો તક્ર વેપારીઓ આપી રહ્યાં છે. એમાંય કેટલાંક લીલાં શાકભાજીના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો ધરખમ વધારો જાેવાં મળી રહ્યો છે. આખરે ગૃહિણીઓએ મોંઘા શાકભાજીની જગ્યાએ કઠોળનો ઉપયોગ વધારી દીધો છે.

દિવાળી પછી નવો ફાલ ઊતરશે એટલે ભાવો અંકુશમાં આવશે

વેપારીઓના કહેવા મુજબ, ભાવવધારાની આ અસર શાકભાજીનો નવો પાક ન આવે ત્યાં સુધી એટલે કે દિવાળી સુધી રહેશે. પાછોતરા વરસાદમાં શાકભાજીના ઊભાં મોલમાં ફૂલો ખરી પડતાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું છે. દિવાળી પછી નવી આવક શરૂ થશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

લીલા શાકભાજીની અછતને કારણે ફરી બજારની સ્થિતિ ડહોળાઈ : વેપારી

નડિયાદ શાક માર્કેટનાં એક વેપારીએ જણાવ્યું હતું કે, એકધારાં પડેલાં વરસાદના કારણે પાક ખલાસ થઈ જતાં બજારમાં શાકભાજીનો જથ્થો હાલ ઓછો આવે છે. પરિણામે લીલા શાકભાજીના ભાવમાં ભડકો છે. લોકોએ ખરીદીમાં કાપ મૂકી દીધો છે. એકબાજુ માંડ માંડ અમારી ગાડી પાટે ચડી રહી છે ત્યાં લીલા શાકભાજીની અછતને કારણે ફરી બજારની સ્થિતિ ડહોળાઈ રહી છે.

એક પખવાડિયામાં ભાવો દોઢાથી બમણાં થઈ ગયાં!

આણંદ અને નડિયાદના શાકમાર્કેટમાં શાકભાજીની આવક હાલ અપૂરતી છે. છેલ્લાં પખવાડિયા ઉપરાંતથી શાકભાજીનાં ભાવ ઊંચકાઈ ગયા છે. ખાસ કરીને ડુંગળી, ગવાર, ફુલાવર, ટીંડોળા, બટાકા અને ટામેટાના ભાવ છેલ્લાં પખવાડિયામાં બમણાં થઈ ગયાં છે.

એકાંતરે કઠોળ બનાવીને ચલાવી લઈએ છીએ : ગૃહિણી

આણંદ શાકમાર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા આવેલાં ગૃહિણી હંસાબેન વાઘેલાનું કહેવું છે કે, લીલાં શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. અત્યારે અમુક શાક તો લેવાં પરવડે તેમ નથી. હાલ રીંગણ થોડાં સસ્તા છે. બાકીના શાકભાજીનું નામ લેવાઈ તેમ નથી. ટામેટાં પણ ૫૦ રૂપિયે કિલો છે. હવે તો એકાંતરે કઠોળ બનાવવું પડે એવી સ્થિતિ છે. નહીં તો ઘરનું બજેટ ખોરવાઈ જાય.

નાસિક, મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું હોવાથી આવક ઘટી

શોકભાજીના ભાવમાં ભડકા અંગે આણંદના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે નાસિક, મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું હોવાથી આવક ઘટી છે, જ્યારે સ્થાનિક ખેડૂતોને પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને નુકશાન થતાં લોકલ હોલસેલ બજારમાં આવક એક મહિનો મોડી છે. હજુ નવી આવક ચાલું થતાં શાકભાજીનાં ભાવ ઘટશે. દિવાળીની આજુબાજુ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

હાલ શાકભાજીની કિંમતો કેટલી છે?

શાકભાજી ભાવ પ્રતિકિલો

ટામેટા ૫૦ રૂપિયા

બીટ ૮૦ રૂપિયા

ગાજર ૮૦ રૂપિયા

સીમલા મરચા ૧૦૦ રૂપિયા

ડુંગળી ૮૦ રૂપિયા

બટાકા ૬૦ રૂપિયા

મરચા ૮૦ રૂપિયા

તુવેર ૧૦૦ રૂપિયા

ભીંડા ૬૦ રૂપિયા

ગુવાર ૮૦ રૂપિયા

મેથીની ભાજી ૫૦ રૂપિયા

ચોળી ૬૦ રૂપિયા

કોબીજ ૮૦ રૂપિયા

સવાની ભાજી ૫૦ રૂપિયા

મૂળા ૪૦ રૂપિયા

લસણ ૧૪૦ રૂપિયા

લીંબુ ૪૦ રૂપિયા

દૂધી ૪૦ રૂપિયા

રિંગણા નાના ૫૦ રૂપિયા

રિંગણ ભરથું ૮૦ રૂપિયા

લીલા ધાણા ૬૦ રૂપિયા

આદું ૬૦ રૂપિયા