વડોદરા, તા.૨૪

ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાન સામે મક્કમ લડત આપવા માટે ગુજરાત પ્રદેશના માળખાંમાં ધરખમ ફેરફારો એઆઇસીસી દ્વારા કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વિદ્યાર્થી નેતા અને લડાયક મિજાજના ઋત્વિજ જાેષીની વરણી કરવામાં આવી છે. ઋત્વિજ જાેષી વર્તમાન પ્રમુખ પ્રશાંત પટેલનું સ્થાન લેશે. આ ઉપરાંત વડોદરા શહેરના અન્ય કોંગ્રેસ નેતાઓની પણ ઉપપ્રમુખ અને મહામંત્રી પદે પણ નિમણૂકો કરવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સાગર બ્રહ્મભટ્ટને યથાવત રાખવામાં આવ્યા છે. પ્રદેશ માળખામાં જેઓની શહેરમાંથી ઉપપ્રમુખ પદે વરણી કરાઇ છે તેમાં સત્યજીતસિંહ ગાયકવાડ, ભીખાભાઇ રબારી વગેરેની વરણી કરાઇ છે. જ્યારે મહામંત્રી પદે ચિરાગ શેખની વરણી કરાઇ છે. નવ નિયુક્ત ઋત્વિજ જાેષીની વરણીને શહેર કોંગ્રેસના આગેવાનો સહિત અન્ય હોદ્દેદારોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે. પ્રદેશ કક્ષાએ ૧૯ જિલ્લા અને શહેર પ્રમુખો, ૭૫ મહામંત્રીઓ અને ૨૫ ઉપપ્રમુખોની એકસાથે વરણી કરાઇ હતી.