અરવલ્લી,તા.૧૭ 

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. પરંતુ સરકારી તંત્રના ચોપડે ઓછા કેસ નોંધાતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. મોડાસા શહેર સહિત જિલ્લામાં માલેતુજાર લોકો શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાની સાથે અમદાવાદ,ગાંધીનગર અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ચુપચાપ સારવાર અર્થે દાખલ થઈ રહ્યા છે. મોડાસા શહેરમાં શંકાસ્પદ કોરોનાનો આંક અધધ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડાસા,બાયડ, મેઘરજ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. જિલ્લામાં કોરોના વાયરસનો સાચો આંક બહાર આવતો નથી અને સરકારી ચોપડે ઓછા કેસ નોંધાતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં લોકોના જણાવ્યા મુજબ સામાન્ય શરદી કે ઉધરસ જેવાં લક્ષણો જણાતાં અમુક લોકો જાતે જ સરકારી હોસ્પીટલને બદલે ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવે છે. આ સીટી સ્કેનના રીપોર્ટમાં શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં અનેક લોકો સરકારી હોસ્પીટલને બદલે અમદાવાદ,ગાંધીનગર અને વડોદરાની ખાનગી હોસ્પીટલોમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે. જિલ્લાના બહારગામ સારવાર લઈ રહેલ દર્દીઓનો સત્તાવાર આંકડો સ્થાનિક સરકારી તંત્ર પાસે હોતો નથી અને એકંદરે આવા વ્યક્તિઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે તો સરકારી તંત્રને પણ ખ્યાલ હોતો નથી. તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લાના દર્દીઓના કોરોના ટેસ્ટ સીટી સ્કેન સહિતના રીપોર્ટ અને તપાસ કરતી ખાનગી લેબોરેટરી કે સંસ્થાવાળાને કડક સુચનાઓ આપવામાં આવે અને તેમને ત્યાં આવતાં દર્દીઓના રીપોર્ટમાં શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે તો જિલ્લાનો સાચો કોરોના આંક બહાર આવી શકે તેમ છે.સંક્રમણ ફેલાવતું અટકાવી શકાય તેમ છે. તંત્રને પણ તેને આધારે કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં સરળતાં રહેશે.