આણંદ : કોરોના કહેર વચ્ચે પ્રજાનાં આરોગ્યની સુરક્ષા અને સલામતી સહિતની બાબતોને ધ્યાનમાં લઈ કોરોના સંક્રમણથી બચવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્યની સુરક્ષા માટે સ્વજાગૃત થઈ ફરજિયાત અમલવારી કરવી અત્યંત જરૂરી છે. ખંભાતમાં પોલીસે પણ વાંરવાર કોરોના અનુલક્ષીને લોકોમાં સ્વ-જાગૃતિ ફેલાય તે માટેના પ્રયત્નો કર્યા છે. પ્રજા માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય, ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી ન થાય તે માટે સતત પેટ્રોલિંગમાં પણ કાર્યરત છે. પોલીસ મથકે આજ દિન સુધી જાહેરનામાના ભંગ બદલ અનેક ફરિયાદો પણ નોંધાઈ છે. ખંભાતના ત્રણ દરવાજા અને પાંચ હાટડી વિસ્તારમાં મહોરમ પર્વે ભીડ સાથે ઝુલુસની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી. આ વીડિયો જોતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાઈ આવતાં ખંભાત શહેર પોલીસે જાહેરનામાના ભંગ બદલ ૨૩ સહિત ટોળાં સામે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, સદર મામલે જાણ થતાં જ જિલ્લાના એસપી અજીત રાજીયાન, એલસીબી પીઆઈ સહિતની ટીમ, એસઓજી પીઆઈ સહિતની ટીમ ખંભાત આવી પહોંચી હતી. 

પ્રાપ્ત માહિતીનુસાર, ખંભાતના ત્રણ દરવાજા અને પાંચ હાટડી વિસ્તારમાં સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરી ૫૦૦થી ૬૦૦ ટોળું ભેગું મળી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે મોંઢા પર માસ્ક પહેર્યા સિવાય જાહેર રોડ ઉપર ગેરકાયદે મંડળી બનાવી હતી. ગુનો આચરતા ૨૩ સહિત ટોળાં સામે આઈપીસી-૧૪૩, ૧૮૮ જીપી એક્ટ-૧૩૫, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૬૯, ૨૭૦, ધી એપેડમિક એક્ટ-કલમ-૬ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે. વધુમાં સોશિયલ મોડિયામાં જૂની વીડિયોઓ પણ વાયરલ કરશે તો તેઓની સામે સઘન તપાસ હાથ ધરવામાં આવશે, તેમ પોલીસે જણાવ્યું હતું.