ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન શુક્રવારના રોજ પ્રશ્નોત્તરી કાળમાં તુવેરદાળની ખરીદીના મામલે વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી ભાજપ પક્ષને ભારે ભીંસમાં લીધો હતો. કોંગ્રેસના સભ્યોના સવાલોના જવાબ આપવામાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા નબળા પડ્યા હતા. જેના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવા માટે ઊભા થવું પડ્યું હતું.વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રથમ પ્રશ્ર્‌ન વિજાપુરના ભાજપના ધારાસભ્ય રમણ પટેલે મહેસાણા જિલ્લામાં અનાજના જથ્થાના વિતરણ સંદર્ભે પૂછ્યો હતો. આ પ્રશ્નમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પેટા સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે સરકાર દ્વારા તૂવેરદાળની ખરીદી માટે રૂ. ૩૯૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરાયા છે. પરંતુ જનતાને રૂ. ૬૧ પ્રતિ કિલોના ભાવે આપીને સરકાર કાળાબજાર કરે છે તો સરકાર આ ભાવોમાં ઘટાડો કરી જનતાને રાહત દરે અથવા પડતર ભાવે તૂવેરદાળ આપવા માંગે છે કે કેમ?કિરીટ પટેલના સવાલના પ્રત્યુત્તર આપતાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આ બાબતને નકારી કાઢી હતી. જાે કે, કિરીટ પટેલે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના પરિપત્રને દર્શાવીને જણાવ્યું હતું કે, આ પરિપત્ર બે મહિના પૂર્વેનો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહેલા તો કહ્યું હતું કે, આવા ખોટા આંકડા ક્યાંથી લાવે છે? ત્યારે કિરીટ પટેલ તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે આ પરિપત્ર અન્ન અને નાગરિક પુરવઠા નિગમનો છે. એટલું જ નહીં કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે સવાલ કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા જવાબ આપવામાં નબળા પડતાં પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના બચાવ માટે ઊભા થવું પડ્યું હતું.

‘દાળમાં કાળું નહિ, આખી દાળ જ કાળી ધાનાણી

ગાંધીનગર  રાજ્ય સરકાર ભલે તેટલા દાવા કરતી હોય પરંતુ રાજ્યકમાં ગરીબોને કાંઈ સસ્તું મળતું નથી, ખેડૂતોને તેમની જણસોના પોષણક્ષમ ભાવ મળતા નથી. ઉત્પાાદકને પોષણક્ષમ ભાવ મળે અને ઉપભોક્તા ને સસ્તું મળે તેનો સેતુ સરકારે બનવાનું હોય તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન અનાજના જથ્થાના વિતરણ અંગેના પ્રશ્નની ચર્ચામાં જણાવ્યું હતું. એટલું જ નહી, તુવેરદાળની ખરીદીમાં ‘દાળમાં કાળું નહિ પરંતુ આખી દાળ જ કાળી’ હોવાનું વિપક્ષના નેતાએ જણાવ્યું હતું. ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યા નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૬-૨-૨૦૨૧ના રોજ પરિપત્ર ક્રમાંક ઃ નાપુનિ/૧૪૧/વિજિ/ઘટ/વસુલાત/૧૦/૨૦૨૦-૨૧/૧૦૪૨૯થી ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે તુવેરદાળની ખરીદી આનુષંગિક ખર્ચ સાથે રૂ. ૩૯/-માં કરી રૂ. ૭૮/-ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલ છે.ધાનાણીએ સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબોના અનાજમાં પણ નફાખોરીનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં મફત/રાહતદરે અનાજ-દાળ આપવાની જાહેરાત ભાજપ સરકાર કરે છે પરંતુ આ અનાજ-દાળની ખરીદી નીચા ભાવે કરીને ડબલ ભાવે વેચાણ કરે છે. પુરવઠા મંત્રીએ રૂ. ૯૧/- પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ ખરીદીની ગરીબોને રૂ. ૬૧/-ના ભાવે વેચાણ કરી રૂ. ૩૦/-ની સબસીડી સરકારે ભોગવી હોવાનો દાવો કર્યો છે. પરંતુ હકીકતમાં નાગરિક પુરવઠા નિગમના પરિપત્રમાં જ તુવેરદાળની ખરીદી આનુષંગિક ખર્ચ સાથે રૂ. ૩૯/-માં કરી રૂ. ૭૮/-ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલ છે. આ પરિપત્રથી સરકારની ખરીદી અને વેચાણમાં આચરવામાં આવતા ભ્રષ્ટારચારનો પર્દાફાશ થયો છે.