વડોદરા

વડોદરા શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ તે વાતને બરોબર એક વર્ષનો સમય પૂર્ણ થયો છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના કેસોનો આંકડો ૧ લાખને પાર કરી ગયો હોવાની ચોંકાવનારી બિનસત્તાવાર વિગતો સપાટી પર આવી છે. આરોગ્ય વિભાગ હેલ્થ બુલેટિનમાં ભલે કુલ કેસોનો આંક ૨૫,૯૪૪ દર્શાવતી હોય, પરંતુ હકિકતે શહેરમાં અત્યાર સુધીમાં ૧ લાખથી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા હોવાનુ ઓપન સિક્રેટ છે. શહેરનો એક પણ એવો વિસ્તાર બાકી રહ્યો નથી જે કોરોનાના ચંગુલમાંથી બચી ગયો હોત. કોરોનાના સૌથી વધુ કેસો સાથે માંજલપુર વિસ્તાર વડોદરામાં પ્રથમ નંબરે હોવાનુ વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળે છે.

અત્રે નોંધનીય છે કે, ગઈ તા. ૨૦મી માર્ચ-૨૦૨૦ના રોજ શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. તે વાતને એક વર્ષ પુરુ થઈ ગયુ છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન વડોદરા શહેરના પોસ વિસ્તાર અલકાપુરી, ઈલોરાપાર્ક, જૂના પાદરા રોડ, અકોટા, માંજલપુર, રાવપુરાથી માંડીને દરેક વિસ્તારો કોરોનામાં સંક્રમિત થયા છે. શહેરમાં એક એવો વિસ્તાર બાકી રહ્યો નથી જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ ન હોય. આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને કારણે કોરોના ફેલાતો જ જાય છે.

વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગ જે હેલ્થ બુલેટિન જારી કરે છે તેમાં કોરોનાના કુલ કેસોનો આંક ૨૫૯૪૪ જાહેર કરાયેલો છે, હકિકતમાં શહેરમાં કોરોના બેફામ થયેલો છે. છેલ્લાં એક વર્ષના ગાળામાં કોરોનાના કુલ કેસોનો આંક ખરેખરમાં ૧ લાખને પણ વટાવી ચૂક્યો છે. પરંતુ આરોગ્ય વિભાગ સાચા આંકડા પ્રજા સમક્ષ દર્શાવતુ નથી. શહેરમાં કોરોના ખુબ જ બેફામ રીતે ફેલાયેલો છે.

બિનસત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ, શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ દક્ષિણ વિસ્તારમાં નોંધાયેલા છે. જ્યાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૦ હજારને પણ પાર થઈ ગઈ હોવાનો જાણકારોનુ કહેવુ છે. એટલુ જ નહીં, દક્ષિણ વિસ્તારમાં પણ માંજલપુર વિસ્તારમાં સૌથી વધુ ૭ હજારથી પણ વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. જે શહેરમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તાર કહેવામાં જરાય કચવાટ અનુભવાય નહીં.

આ જ રીતે, શહેરના ઉત્તર વિસ્તારમાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી પણ વધુ કેસોનો આંક થઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કેસો કારેલીબાગ વિસ્તારમાં છે. જ્યાં ૫ હજારથી પણ વધુ કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે. આ જ રીતે, પૂર્વ વિસ્તારમાં ૧૫ હજારથી વધુ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસો સવાદમાં ૫ હજારથી પણ વધુ છે. જ્યારે પિૃમ વિસ્તારમાં કુલ કેસોનો આંક ૨૫ હજારને પાર થઈ ગયો છે. જે વિસ્તારમાં સૌથી વધુ સુભાનપુરા ૪ હજારથી પણ વધુ કેસો સાથે અગ્રેસર હોેવાનુ જાણવા મળે છે.

સાચા આંકડા જાહેર ન કરાતા કોરોના વધુ ફેલાયો

કોરોનાની શહેરમાં એન્ટ્રી થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આરોગ્ય વિભાગ રોજ હેલ્થ બુલેટિન જાહેર કરે છે, પરંતુ તેમાં આંકડાઓની માયાજાળ જ રચાય છે તેવા આક્ષેપો અગાઉ પણ થઈ ચૂક્યા છે. કોરોનાની સાચી પરિસ્થિતિથી લોકોને વાકેફ નહીં કરી આરોગ્ય તંત્ર લોકોને અંધારામાં રાખી રહ્યું છે. જેના કારણે કોરોનામાં શહેરની ખરાબ પરિસ્થિતિથી અજાણ લોકો બિન્ધાસ્ત રીતે માસ્ક વિના નીકળે છે અને ટોળામાં ફરે છે અને સંક્રમણ વધે છે. આરોગ્ય તંત્રએ પહેલાથી જ સાચા આંકડા જાહેર કર્યા હોય તો આજે પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ન હોય તેવુ પણ ચર્ચાય છે. આખરે આરોગ્ય વિભાગને સાચા આંકડા જાહેર કરવામાં પેટમાં કેમ દૂખે છે ? શું સાચા આંકડા જાહેર કરવાથી શહેરના વિકાસ પર કોઈ અસર થવાની છે ? શું કોઈ અધિકારીની કારકીર્દીના ગ્રાફ પર કોરોનાની અસર થવાની છે ? શા માટે તંત્ર સાચા આંકડા છૂપાવીને આંકડાની માયાજાળ રચી રહી છે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.