વડોદરા, તા.૨૩ 

ઈસુ વર્ષ ૨૦૨૦નો અંતિમ તહેવાર નાતાલને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે. ફતેગંજ સ્થિત ઐતિહાસિક મેથોડિસ્ટ ચર્ચ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા દેવળો આ વખતે નાતાલ પર્વે બંધ રહેશે. આ ઉપરાંત નવા વર્ષના વધામણા માટે ચર્ચ - દેવળોમાં યોજાતી વિશેષ પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ક્રિસમસ પર્વને લઈને દેવળોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. જાે કે, લોકોએ ઘરમાં બેસીને પ્રાર્થના કરી નાતાલની ઉજવણીનું આયોજન કર્યું છે. કોરોનાના કારણે માર્ચ મહિનાથી તમામ તહેવારોની ઉજવણી પર તેની અસર થઈ છે. ત્યારે ૨૦૨૦નો અંતિમ તહેવાર નાતાલને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ક્રિસમસ પર્વે શહેરના મોટાભાગના ચર્ચ-દેવળોના ટ્રસ્ટીઓએ ચર્ચ-દેવળોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે ક્રિસમસ અને નવા વર્ષને વધાવવા માટે યોજાતી વિશેષ પ્રાર્થના અને વોચરાઈસ સર્વિસને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાે કે, ખ્રિસ્તી સમાજના લોકોએ ઘરમાં બેસીને પ્રાર્થના કરી નાતાલ પર્વની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ફતેગંજ સ્થિત રોઝરી મેથોડિસ્ટ ચર્ચના ફાધર સેમ્યુઅલ સુવા કીતે જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર દેશ-વિદેશોમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે સાદાઈથી નાતાલ પર્વની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફતેગંજ ચર્ચમાં નાતાલના દિવસથી પ્રાર્થનાસભા અને નવા વર્ષને વધાવવા માટે યોજાતી વોચરાઈસ સર્વિસ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વરસે તા.રપમી ડિસેમ્બર અને ૩૧ મી ડિસેમ્બર દરમિયાન ફતેગંજ સ્થિત ઐતિહાસિક ચર્ચને આકર્ષક રોશનીથી શણગારવામાં આવે છે અને ચર્ચની બહાર લોકોની ભારે ભીડ જામે છે. ૩૧મી ડિસેમ્બરે સાંજે ચર્ચની બહાર હજારો લોકો નવા વર્ષને આવકારવા માટે ભેગા થાય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ફતેગંજ માર્ગ સૂમસામ રહેશે.