ડોડોમા-

ટાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીનું ૬૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. ટાન્ઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના નિધનની પુષ્ટિ કરી છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે રાષ્ટ્રપતિ કોરોનાથી સંક્રમિત હતા. જાે કે હજુ તેની કોઈ ખરાઈ થઈ નથી. ૨૭ ફેબ્રુઆરી બાદ રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલી જાહેર કાર્યક્રમમાં જાેવા મળ્યા નથી. ત્યારબાદથી તેમની બીમારીને લઈને અટકળોનો દોર ચાલુ હતો. એવું પણ કહેવાઈ રહ્યું હતું કે તેઓ ગુપચુપ કોરોનાની સારવાર કરાવી રહ્યા હતા. રાષ્ટ્રપપતિ મગુફુલી સંડે ચર્ચ સર્વિસમાં મોટાભાગે ભાગ લેતા હતા પરંતુ ૨૭ ફેબ્રુઆરી બાદથી તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં જાેવા મળ્યા નથી. એવી ચર્ચા હતી કે તેઓ બીમાર હતા અને વિદેશમાં સારવાર કરાવી રહ્યા છે. ૨૦૧૦માં ટાન્ઝાનિયામાં પરિવહન મંત્રી તરીકે ફરીથી નિયુક્ત થયા ત્યારે તેમણે ખુબ લોકપ્રિયતા મેળવી હતી. આક્રમક લીડરશીપ અને સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતના કારણે તેમનું નામ બુલડોઝર રાખવામાં આવ્યું હતું. જ્હોન મગુફુલી ૨૦૧૫માં રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર નિયુક્ત થયા હતા. ત્યારબાદ ૨૦૨૦માં તેઓ ફરીથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. મગુફુલી પણ એ દેશોના પ્રમુખોમાં સામેલ હતા જેમણે કોરોનાના જાેખમને ગંભીરતાથી લીધો નહતો. રાષ્ટ્રપતિ મગુફુલીએ કહ્યું હતું કે ભગવાન કોરોનાથી બચાવશે અને સારવાર જેમ કે સ્ટીમ લેવાથી ટાન્ઝાનિયાના લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે. એટલું જ નહીં તેમણે કોરોના વાયરસ ટેસ્ટની મજાક ઉડાવતા રસીને જાેખમી અને પશ્ચિમી દેશોનું ષડયંત્ર ગણાવી હતી. આ ઉપરાંત તેમણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોનો પણ વિરોધ કર્યો હતો. હાલમાં જ ટાન્ઝાનિયાના પ્રમુખ વિપક્ષી નેતાએ રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલુના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ કોરોના સંક્રમિત છે અને ભારતમાં સારવાર કરાવી રહ્યા છે. મગુફુલીના હાથે ગત ચૂંટણીમાં હારનારા ટુંડુ લિસુએ કેન્યાના મેડિકલ અને સુરક્ષા સૂત્રોના હવાલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિને કેન્યાની હોસ્પિટલથી ટ્રાન્સફર કરીને ભારત લઈ જવાયા છે અને કોમામાં છે. જાે કે તેમણે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવો આપ્યો નહતો.