ગાંધીનગર

રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.

અત્યાર સુધી 32 લાખ 74 હજાર 493 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 3 હજાર 693 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 38 લાખ 78 હજાર 186નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 22 હજાર 186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. સોમવારે 2.22 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો જ્યારે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં 20 હજારથી વધારે કેસ વધી ગયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 88 હજાર 649ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,454 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 76 હજાર 348 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7774 દર્દીની હાલત સ્થિર છે.

બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દરરોજ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રવિવારે પહેલીવાર રસીકરણ યોજાયું હતું. સરકારે તમામ લોકોને ઝડપથી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં કેસ વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે. હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી.