દિલ્હી-

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૧ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૦૯૭૫ કેસ નોંધાતા કુલ કેસ ૩૧૬૭૩૨૩ થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું ભારત. આખી દુનિયામાં આવતા ચાર કેસોમાંથી એક કેસ ભારતમાંથી સામે આવે છે.

જાેકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૫.૯૧ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૫૫૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૪૦૪૫૮૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

બીજી તરફ, ભારતમાં કોરોના ટેસ્ટ સેમ્પલની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારે નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં ૩.૫ કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૮૩૯૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૦૪૩૪૮ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના ૧૧૦૧૫ નવા કેસ આવ્યા છે. સાથે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા ૭ લાખની આસપાસ એટલે કે ૬,૯૩,૩૯૮ પહોંચી છે. મહારાષ્ટ્રમાં જલ્દી જ કોરોનાનો આંક ૭ લાખને પાર કરશે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર અહીં ૨૪ કલાકમાં ૨૧૨ દર્દીના મોત થયા છે અને ૨૨૪૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨,૩૬,૩૬૬૫૧ કેસ નોંધાઈ ચૂક્્યા છે. જેમાંથી ૮,૧૨,૭૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧,૫૩,૨૭૧૦૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭,૪૯,૬૮૨૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.