વડોદરા, કોરોના કાળમાં સેન્કન્ડ વેવથી શહેરમાં ઘરે ઘરે દર્દીઓની સંખ્યા વધતી જાેવા મળી રહી છે ત્યારે શહેરીજનોની આ મજબુરીનો લાભ લઈ લુંટફાટ કરવા નિકળેલી મેડીકલ માફિયાઓની ટીમ સામે આજે કોર્પોરેશન વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર નવી રણનિતિ સાથે મેદાનમાં આવ્યું હતું. જે અંતર્ગત કોરોનાગ્રસ્ત નાગરીકોને આર્થિક રીતે લંુટતી ખાનગી હોસ્પિટલો ફરતે કોર્પોરેશન દ્વારા મજબુત ગાળિયો કસવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાની જાહેરાત નર્મદા મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા અને ઓએસડી ડો. વિનોદ રાવે આજે સાંજે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ દ્વારા કરી શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને સ્પેશ્યલ કે સેમી સ્પેશ્યલ રૂમના ચાર્જ કે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરના વિઝીટ ચાર્જના નામે વસુલાતા જંગી નાણાં પર લગામ લગાવવામાં આવી હતી. એટલું જ નહીં તમામ ખાનગી હોસ્પિટલોના રૂમને જનરલ રૂમમાં તબદીલ કરાવી નાગરીકો પાસે જનરલ રૂમના ચાર્જ જ વસુલી શકશે તેવી જાહેરાત કરી હતી. વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકારની આ નિવી નિતી વિરૂધ્ધ વધુ ચાર્જ વસુલનાર હોસ્પિટલ સામે ફોજદારી સહિતના ગંભીર પગલાં લેવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા નર્મદા મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતુંકે છેલ્લા એક મહિનામાં જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થયો છે. આ સ્થિતિનો લાભ લઈ કેટલાક હોસ્પિટલ સંચાલકો દ્વારા બેફામ નાણાં વસુલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો આવતા આજે હોસ્પિટલો દ્વારા વસુલવામાં આવતા ચાર્જીસ ફિક્સ કરવામાં આવ્યા છે.

આ સમયે નવા જાહેર કરવામાં આવેલા દરની માહિતી આપતા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતુંકે શહેરમાં આવેલી તમામ હોસ્પિટલમાં હવે કોઈ સ્પેશ્યલ કે સેમી સ્પેશ્યલ રૂમ રહેશે નહીં. એટલેકે ખાનગી હોસ્પિટલમાં દાખલ થનાર દર્દી પાસેથી કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા જનરલ, ઓક્સિજન સાથે કે આઈ.સી.યુ ના નવા ચાર્જ જ વસુલી શકશે. એટલું જ નહીં હોસ્પિટલમાં બહારથી આવતા સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનો ચાર્જ પણ પ્રતિ દર્દી પાસેથી દૈનિક એક હજાર રૂપિયાથી વધુ વસુલી નહીં શકે. જાે કોઈ હોસ્પિટલ દર્દીઓ પાસેથી વધુ ચાર્જ વસુલે તો તેની જાણ કોર્પોરેશનના ગ્રીવેન્સ સેલને કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે સરકારની નિતિનો કડકાઈથી અમલ કરવાની વાત કરી ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતુંકે જે હોસ્પિટલો આ નક્કી કરેલા દરથી વધુ ભાવની વસુલાત કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી સહિતના પગલા લેવામાં આવશે. આ ઉપરાંત જે દર્દી પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હશે તો તેવા કિસ્સામાં રીફંડ અપાવવાની કામગીરી પણ કરવામાં આવશે.તેમણે દર્દીઓ અને તેમના સંબંધીઓને તેમણે હોસ્પીટલોને ચુકવેલાં બિલોના પૂરાવા રાખવા અને તેના આધારે પાછળથી પણ વધું નાણાં ખંખેરનારી હોસ્પીટલો પાસેથી રિફંડ અપાવાની બાંહેંધરી આપી હતી.

શહેર ભાજપ સંગઠનના દેખાડાને મેયરની લપડાક

શહેરમાં કોરોનાના ભરડામાં સપડાયેલા વડોદરાવાસીઓ માટે નક્કર કામગીરી કરવાના બદલે માત્ર સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે શહેર ભાજપ સંગઠન દ્વારા રોજ નવી જાહેરાતો કરવામાં આવતી હતી. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તેના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતની ટીમ પણ ભાજપની છે તેમ છતાં મેયર સહિતના પદાધિકારીઓને બાજુએ રાખી શહેર ભાજપ સંગઠન દ્વારા સમાંતર વહીવટી તંત્ર ચલાવીને જાહેરાતો કરવામાં આવતી હતી. પરંતુ આ જાહેરાતોમાં ખરેખર નક્કર કેટલી કામગીરી થઈ તેની કોઈ વિગતો આજદિન સુધી જાહેર કરવામાં આવી નથી. શહેર ભાજપની આવી કામગીરીને લઈ કોર્પોરેશન તંત્ર કે મેયર કોઈ કામ નથી કરતી તેવી છાપ ઉભી થતા વિવાદ ઉભો થયો હતો. દરમ્યાન આજે એકશનમાં આવેલા મેયર કેયુર રોકડીયાએ સવારથી કમાન સંભાળી શહેરની ખાનગી હોસ્પિટલના સંચાલકો તથા તેમના એસોસીએશન સાથે વિડીયો કોન્ફરન્સથી મિટીંગ કરી શહેરની વર્તમાન સ્થિતિમાં શહેરીજનો માટે નક્કર સુવિધા સાથે આર્થિક લુંટફાટ ન થાય તે માટેની રણનિતિ બનાવી હતી. નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલ અને ઓએસડી વિનોદ રાવને સાથે રાખી નક્કી કરવામાં આવેલી આ નવી રણનિતિની મોડી સાંજે પત્રકાર પરિષદ કરી જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધી સયાજીગંજ મનુભાઈ ટાવરથી કરવામાં આવતી સસ્તી પ્રસિધ્ધી માટેની જાહેરાત વચ્ચે મેયર અને નર્મદા મંત્રીએ કરેલી જાહેરાતથી સંગઠનને જાેરદાર લપડાક પડી હોવાનું કહેવાય છે.

બિલોની ફરિયાદ માટે ગ્રીવેન્સ સેલ

ખાનગી હોસ્પિટલ માટેના દર જાહેર કરવા સાથે મેયર દ્વારા કોર્પોરેશનના ગ્રીવેન્સ સેલની પણ જાહેરાત કરી હતી. જેમાં કોર્પોરેશનના આઈ.ટી. વિભાગના વડા મનીષ ભટ્ટને આ સેલની જવાબદારી સુપ્રત કરી જે કોઈ પણ નાગરીકને ખાનગી હોસ્પિટલના બીલ અંગે ફરિયાદ હોય તો મોબાઈલ નંબર ૯૭૨૭૨૫૦૧૫૯ મારફતે જાણ કરવા જણાવ્યું હતું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ટીમ બિલનું ઓડિટ કરશે

કોર્પોરેશનના ગ્રીવેન્સ સેલને જે હોસ્પિટલ સામે વધુ બીલ વસુલાતની ફરિયાદ મળશે તે હોસ્પિટલે દર્દીને આપેલું બીલ ખાનગી ચાર્ટડ એકાઉન્ટન્ટને ઓડીટ કરવા માટે આપવામાં આવશે. ખાનગી ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા તપાસવામાં આવેલા બીલને કોર્પોરેશનની ગ્રીવેન્સ સેલને સુપ્રત કરવામાં આવશે. જેમાં જો વધુ બીલ વસુલ્યાનું જણાશે તો આવી હોસ્પિટલ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા સાથે દર્દીને રીફંડ આપવાની કાર્યવાહી કરવાની જાહેરાત ઓએસડી વિનોદ રાવે કરી હતી.અને જાે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાે કોઈ ખેલ કરવા જશે તો તેની સામે પણ પગલાંં લેવાશે એમ નર્મદામંત્રી યોગેશ પટેલે ઉમેર્યું હતું.

અમદાવાદ કરતાં વડોદરામાં વેન્ટિલેટરની સંખ્યા વધુ

આજે પત્રકાર પરિષદ દરમ્યાન શહેરની સ્થિતિ અંગેની માહિતી આપતી વખતે નર્મદા મંત્રી યોગેશ પટેલ વડોદરામાં વેન્ટીલેટરની સુવિધા સારી હોવાનું જણાવ્યું હતું. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુંકે ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદમાં ૯૦૦ વેન્ટીલેટર છે. જ્યારે તેની સામે ૨૦ લાખની વસ્તી ધરાવતા વડોદરામાં ૧ હજારથી વધુ વેન્ટીલેટર છે. જેમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં જ ૬૫૦થી વધુ વેન્ટીલેટરની સુવિધા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

લાખો ખંખેરતી હોસ્પિટલો ઓક્સિજન કે વેન્ટિલેટર રાખતી નથી

શહેરમાં ૧ હજારથી વધુ વેન્ટીલેટર છે પરંતુ દર્દીઓ પાસેથી જંગી ચાર્જ વસુલતી ખાનગી હોસ્પિટલો આવી સુવિધા ઉભી કરવા માટે આગળ આવતી નથી તેવી ગંભીર ટકોર નર્મદા મંત્રી યોગેશ પટેલે કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે હવે ખાનગી હોસ્પિટલોએ વેન્ટીલેટર અને ઓક્સિજન સુવિધા ઉભી કરવી પડશે તેના વગર નહીં ચાલે. આ સમયે ખાનગી હોસ્પિટલની માત્ર નાણાં ખંખેરવાની નિતિ સામે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

હવે ખાનગી હોસ્પિટલમાં શું હશે ચાર્જીસ?

સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો વિઝીટ ચાર્જ – મહત્તમ રૂપિયા ૧,૦૦૦

નજરલ વોર્ડનો રૂમ ચાર્જ – મહત્તમ રૂપિયા ૪,૫૦૦

ઓક્સિજન સુવિધા સાથેના બેડનો ચાર્જ – મહત્તમ રૂપિયા ૬,૦૦૦

આઈ.સી.યુ રૂમ વેન્ટીલેટર સિવાય – મહત્તમ રૂપિયા ૧૩,૫૦૦

આઈ.સી.યુ. રૂમ વેન્ટીલેટર સાથે – મહત્તમ રૂપિયા ૧૬,૦૦૦

ખાનગી હોસ્પિટલના ચાર્જીસમાં શું સમાવેશ થયેલું છે?

• સવારનો નાસ્તો • બપોરનું જમવાનું • સાંજે ચા • રાત્રીનું જમવાનું

• પીપીઈ કીટનો ચાર્જ • એમ-૯૫ માસ્ક • કોરોનાની રૂટીન દવાઓ (વિશેષ દવાઓ સિવાય)

કેશલેસ વીમાની સુવિધા ન આપે તો પણ ફરિયાદ કરાશે

નર્મદા મંત્રી અને મેયરની સંયુક્ત પત્રકાર પરિષદમાં કેશલેશ મેડક્લેઈમ સુવિધા માટે પણ સવાલ ઉઠ્યા હતા. આ સમયે ઉપસ્થિત ઓએસડી ડો. વિનોદ રાવે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુંકે સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ કોઈ પણ વીમા કંપની કે હોસ્પિટલ દર્દીઓને કેશલેશ વિમાની સુવિધા આપવાથી ઈન્કાર નહીં કરી શકે. તેમ છતાં જાે કોઈ હોસ્પિટલ કે વીમા કંપની આ સુવિધાનો ઈન્કાર કરે તો તે અંગે ફરિયાદ મળેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

હોસ્પિટલોને બિલ ચેકથી ચૂકવો

- વિનોદ રાવ

ખાનગી હોસ્પિટલોને વધુ નાણાં ખેખરતા રોકવા માટે દર્દીઓને ચેકથી જ નાણાં ચુકવવાની ઓએસડી વિનોદ રાવે અપીલ કરી હતી. એટલું જ નહીં હોસ્પિટલો પણ હવે પછી બિલના નાણાં રોકડમાં લઈ શકશે નહંી એમ કહી તેઓએ જણાવ્યું હતું કે દર્દી રોકડા રૂપિયા ચુકવે નહીં જેથી જે પણ નાણાં ચુકવવામાં આવે તે ચેકથી ચુકવ્યા હશે તો બે કે ત્રણ મહિના પછી પણ તેની વસુલાતની કાર્યવાહી કરી શકાશે.

ભાજપ સંગઠને કેટલા બિલ ઓછા કરાવ્યા તે વિજય શાહ જાહેર કરે

આજે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા હોસ્પિટલના ચાર્જીસ અને ગ્રીવેન્સ સેલની રચના બાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં લૂંટફાટ ચાલતી હોવાની વાતને સમર્થન મળ્યું હતું. ત્યારે એક સપ્તાહ પૂર્વે શહેર ભાજપ પ્રમુખે ખાનગી હોસ્પિટલના બીલો ઓછા કરવા માટે શહેર ભાજપના હોદ્દેદારોની નિંમણૂક કરી એક સેલની રચનાની જાહેરાત કરી હતી. ત્યારે એક સપ્તાહમાં શહેર ભાજપ સંગઠનના સેલને ખાનગી હોસ્પિટલો સામે વધુ બીલ વસુલાતની કેટલી ફરિયાદો મળી અને તે ફરિયાદો પૈકી કેટલી ફરિયાદોમાં બીલની રકમ ઓછી કરવામાં આવી તેમજ આવી હોસ્પિટલો સામે શું કાર્યવાહી કરવામાં આવી તે તમામ બાબત પણ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેર કરવી જાેઈએ તેવું ચર્ચાઈ રહ્યું છે.