દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે હોસ્પીટલોમાં કોવિડ દર્દીઓના દાખલ થવા મામલે એક રાષ્ટ્રીય નીતિ બનાવે. અદાલતને જણાવાયું હતું કે કોરોના સંક્રમીત દર્દીઓ પાસેથી એનસીઆરની કેટલીક હોસ્પીટલો સ્થાનિક સરનામાનું પ્રમાણપત્ર માંગે છે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠ સમયે એક વકીલે જણાવ્યું હતું કે નોઈડાની હોસ્પીટલમાં એક વ્યક્તિને એટલા માટે દાખલ નહોતો કરાયો. કારણ કે તેના આધાર કાર્ડ પર મુંબઈનું સરનામું હતું. અદાલતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એ નિશ્ર્ચિત કરવું જોઈએ કે હોસ્પીટલો દ્વારા સ્થાનિક સરનામાના પ્રમાણપત્રની માંગ ન કરવામાં આવે. અદાલતે કોરોનાની સતત બગડતી સ્થિતિ પર પણ કેન્દ્ર સરકારને અનેક સવાલ કર્યા હતા જેમાં રેમડેસીવીર જેવી દવાઓની અલગ અલગ કિંમત પાછળ શું તર્ક છે?રાષ્ટ્રીય આપતિના સમયે વેકસીન પર માત્ર બે કંપનીઓને એકાધિકાર (મોનોપોલી) કેમ? કોરોનાને કાબુમાં કરવા કયા કયા પ્રતિબંધો વિચારી રહ્યા છો?આ ઉપરાંત કોર્ટે એમ પણ પૂછયું હતું શું હવે દવા નિર્માતા નકકી કરશે કે કયા રાજયને કેટલી દવા આપવી. સુપ્રીમ કોર્ટે પૂછયું હતું કે દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાની પ્રક્રિયા શું છે? શું અમદાવાદમાં માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવનારને જ દાખલ કરાય છે?