વડોદરા, તા.૧૫

કરફયૂ અને જાહેરનામા ભંગ બદલ પોલીસે જપ્ત કરેલા વાહનો છોડાવવા માટે આજે આરટીઓ કચેરી ખાતે ભીડ ઉમટી પડી હતી. કોરોના કરફયૂની શરૂઆતમાં પોલીસે ઢીલાશ રાખી હતી, પરંતુ રાજ્યના પોલીસવડાની કડક સૂચના બાદ શહેર પોલીસે સખ્તતાઈથી વર્તવાનું શરૂ કર્યું હતું. બે દિવસની રજા બાદ આરટીઓ કચેરી આજે ખૂલતાં મોટી સંખ્યામાં શહેરીજનો વાહનો છોડાવવા માટે પહોંચ્યા હતા.

સરકાર દ્વારા કોવિડની સ્થિતિ પર કાબૂ મેળવવાના આશયથી કોરોના કરફયૂ લાદી દીધો છે. તેમ છતાં કેટલાક લોકો કોરોના કરફયૂના સમયમાં બહાર નીકળતાં તેમના વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. બે દિવસ સરકારી કચેરીઓમાં રજા હતી. બે દિવસ બાદ ડિટેઈન કરેલા વાહનોને છોડાવવા માટે લોકોની આરટીઓ કચેરી બહાર લાંબી ભીડ જાેવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું હતું. ચૂંટણી બાદથી વકરી રહેલા કોરોનાને નાથવા માટે સરકારી તંત્ર દ્વારા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવાના ઉદ્દેશથી સરકારે રાત્રિ ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કોરોના કરફયૂ લાદી દીધો છે અને કોરોના કરફયૂનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ વિભાગ દ્વારા નિભાવવામાં આવી રહી છે. તંત્રના લાખ પ્રયાસો છતાં લોકો રાત્રિના સમયે બહાર નીકળતા હોય છે તેવા લોકોના વાહનો પોલીસ વિભાગ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા જે વાહનોને આરટીઓ કચેરી ખાતે જઈને છોડાવવા પડે છે.

૧૩ એપ્રિલે ચેટીચંદ અને ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી હોવાના કારણે સરકારી કચેરીઓમાં રજા હતી જેને પગલે બે દિવસમાં ડિટેઈન કરવામાં આવેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરી પણ બંધ હતી. આજે ત્રીજા દિવસે કચેરી ખૂલતાંની સાથે મોટી સંખ્યામાં લોકો વાહનો છોડાવવા માટે પહોંચ્યા હતા જેને લઈને કચેરીની બહાર લોકોની લાંબી કતારો જાેવા મળી હતી. કચેરીની અંદર લોકોના ટોળા જાેવા મળતાં કોવિડ ગાઈડલાઈનાન ધજાગરા ઉડયા હતા, તેની સાથે કચેરીમાં માત્ર ૩૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાનું હોવાથી કામનું ભારણ ઝડપી ક્લીયર થતું નહીં હોવાનું લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા એક તરફ ભીડ એકત્ર ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે સરકારી કચેરીમાં જ લોકોની ભીડ થવાને કારણે તેમના દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે આ પ્રકારના કિસ્સાઓમાં ભીડ એકત્ર થતી અટકાવવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જાેવું રહ્યું!