વડોદરા : કોરોનાનો કહેર પુનઃ વધતાં જ અમદાવાદમાં ૬૦ કલાકના સળંગ કરફયૂ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કરફયૂ રાખવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. એ મુજબ શહેર પોલીસ કમિશનરે ગઈકાલે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું હતું. પોલીસ વિભાગે ગત રાત્રિથી જ તૈયારીઓ આરંભી હતી અને રાત્રિના ૯ના ટકોરે કરફયૂના અમલની શરૂઆત થઈ હતી. 

આઠ વાગ્યા બાદથી જ શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિક નહિવત્‌ થઈ ગયો હતો અને ૯ વાગ્યા પહેલાં જ પોલીસનો કાફલો ઠેર ઠેર માર્ગો ઉપર ઉતરી જતાં ૯ના ટકોરે કરફયૂનો અમલ શરૂ થયો હતો. જાે કે, કેટલાક સ્થળો ઉપર વાહનચાલકો અને પોલીસ વચ્ચે જીભાજાેડી થઈ હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં બહાર એકઠા થયેલા ટોળાં પોલીસે વિખેરી નાખ્યાં હતાં. પોલીસ વિભાગ દ્વારા આજે દિવસભર ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં કરફયૂના અમલની તૈયારી અંગે બેઠકો ચાલી હતી જેમાં દરેક અધિકારીઓને કરફયૂનો ચુસ્તપણે અમલ કરાવવા માટેની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હજુ પણ દિવાળીના વેકેશનના મૂડમાં રહેલા પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી ફરજિયાત ડયૂટી ઉપર હાજર રહેવાનો આદેશ કરાયો હતો.

આજે સવારથી જ પોલીસ વિભાગ દ્વારા એમની જીપો ઉપર લગાવાયેલા માઈક ઉપરથી નાગરિકોને કરફયૂનો અમલ કરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને કરફયૂનો ભંગ કરનારને કડક શિક્ષા થશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાં આવી જાહેરાત થઈ હતી, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં વેપાર સાથે સંકળાયેલા મંડળો એસોસિયેશનોના હોદ્દેદારો સાથે બેઠક કરી કરફયૂ શરૂ થાય એ પહેલાં દુકાનો, લારી-ગલ્લા, ખાણીપીણીની લારીઓ, હોટેલો, રેસ્ટોરન્ટો બંધ કરી દેવાની સૂચના આપી હતી. ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને જે તે વિસ્તારના પોલીસ ઈન્સ્પેકટરોએ રૂબરૂ પહોંચી રાત્રિના ૯ વાગ્યા પહેલાં જ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરી દેવાની સૂચનાઓ આપી દેવાઈ હતી. પોલીસ વિભાગે પણ કરફયૂના અમલ માટે નાગરિકોનો સારો સહકાર રહેશે એવો આશાવાદ વ્યક્ત કરીને દિવસે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

રાત્રિના ૮.૩૦ કલાક બાદ સિટી બસ સર્વિસની તમામ ટ્રીપ રદ કરી દેવાઈ

વડોદરા, તા.૨૧

કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી આજથી વડોદરામાં રાત્રિ કરફયૂ અમલમાં મુકાયો છે. ત્યારે રાત્રિના ૮.૩૦ કલાક પછી સિટી બસસેવા પણ બંધ રાખવામાં આવશે. સામાન્ય દિવસોમાં રાત્રિના ૧૦ વાગ્યા સુધી બસો દોડાવવામાં આવે છે પરંતુ રાત્રિ કરફયૂનો અમલ કરાતાં રાત્રે ૮.૩૦ કલાક પછી વિવિધ ૩૧ રૂટ પરની પપ બસો બંધ રહેશે. રાત્રિના ૮.૪પ, ૯.૦૦ સહિત રાત્રિની તમામ ટ્રીપ રદ કરાઈ હોવાનું સિટીબસ સર્વિસના સંચાલકોએ જણાવ્યું હતું.

 વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું

વડોદરા. ૯ વાગ્યા બાદ શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો માર્ગો ઉપર ઉતરી આવ્યો હતો. ઠેર ઠેર બેરિકેટ લગાવી આવતા-જતા વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જ્યારે જૂના શહેર વિસ્તારમાં પોળોની છેક અંદર જઈને પોલીસે બહાર બેઠેલા શહેરીજનોને ઘરની અંદર જવા માટે સૂચના આપી હતી.