આણંદ : આણંદ જિલ્લામાં રવિવારે બીજા તબક્કાના યોજાયેલી જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ નગરપાલિકા ચૂંટણીનું બીજી માર્ચે એટલે કે, મંગળવારે પરિણમા જાહેર થવાનું છે. એ પહેલાં દૂધનગરીમાં ઉમેદવારોમાં ઉચ્ચાટ અને મતદારોમાં ઉત્સુક્તાનું વાતાવરણ જાેવાં મળી રહ્યું છે. આવતીકાલે ઇવીએમનો પટારો ખુલશે.

ચરોતરમાં આણંદ નગરપાલિકાની ચૂંટણી પર આખા જિલ્લાની નજર મંડાયેલી છે. જિલ્લાના રાજકીય પક્ષોની નજર દૂધનગરીની પાલિકા પર છે. આણંદની મલાઇદાર પાલિકાને હસ્તગત કરવા બંને રાજકીય પક્ષોએ એડીચોટીનું જાેર લગાવ્યું હતું. આવતીકાલે પાલિકાની ૪૯ બેઠક પરના ૧૩૭ ઉમેદવારના ભાવિનો પટારો ખુલવાનો છે. એ પૂર્વ મતદાન પૂર્ણ થયાં બાદ ગત ટર્મ કરતાં ૫% મતદાન ઓછું થતાં એવી અટકળો શરૂ થઈ છે કે, કંઈક નવાજૂની થશે! આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને છ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે ચતુષ્કોણીય જંગ છેડાયો હતો. પાલિકાના ૧૩ વોર્ડની ૪૯ બેઠક પર ૧૩૭ ઉમેદવારોએ જંગમાં ઝૂકાવ્યું હતું. ગઈ ટર્મમાં ૫૯.૯૩% મતદાન સામે આ વખતે ૫૫.૨૫% મતદાન થતાં પાંચ ટકા જેટલું મતદાન ઓછું થયું છે. પરિણામે નગરમાં એવી અટકળો થઈ રહી છે કે, પુનરાવર્તન થશે કે પરિવર્તન?

ભાજપ માટે ૭થી૧૦ નંબરના વોર્ડ ગઢ માનવામાં આવતાં વધુ બેઠક મેળવવા અન્ય વોર્ડ તરફ ડોળો માંડ્યો હતો. જાેકે, હવે એવું લાગી રહ્યું છે કે, ગઢમાં નુક્સાન ન થાય તો સારું! આવતીકાલે શહેરના ૮૦ ફૂટ માર્ગ પર આવેલાં સરદાર બેન્ક્વેટ હોલ ખાતે ૪૯ બેઠકના ૧૩૭ ઉમેદવારના ભાવિનો પટારો ખુલશે, પરંતુ મતદાનની ટકાવારી જાેતાં નવાંજૂનીના એંધાણ જાેવામાં આવી રહ્યાં છે. ભાજપના ગઢ મનાતા વોર્ડમાં ભંગાણ પડે તો અપક્ષોને ફાયદો થશે. આમછતાં શાસક પક્ષના બહુમતીના દાવા વચ્ચે કોણ કોને ભારે પડશે તે આવતીકાલની મતગણતરી બાદ નક્કી થઈ જ જશે.

મતદાનની પૂર્વ રાત્રિએ પેનલને બદલે સિંગલનો રચાયેલો ખેલ શું હવે ભારે પડશે?

આણંદ પંથકમાં છ નગરપાલિકા જંગમાં રાજકીય પક્ષ માટે મલાઈદાર આણંદ પાલિકામાં સત્તા મેળવવાનો હઠાગ્રહ ઊભો થયો હતો. જાેકે, મતદાનની પૂર્વરાત્રીએ પેનલના જીતના આયોજનના બદલે સિંગલ ઉમેદવારને જીતાડવાનો ખેલ રચાયો હતો. હવે મતદાન બાદ થયેલાં મતદાનની કુલ ટકાવારી જાેતાં સત્તા માટે ઊભાં થયેલાં હઠાગ્રહનો છેદ ઉડી જાય તેવી શક્યતા છે. મતદાન જાેતાં હવે કોઈ અનુમાન લગાવી શકાય એવી સ્થિતિ નથી.