વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા આજે સાયકલ રેલીનું આયોજન

વડોદરા,તા.૧૩

વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વેલેન્ટાઇન સપ્તાહના કાર્યક્રમો અંતર્ગત ચોથું વાર્ષિક લવ મધર અર્થ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. લવ મધર અર્થ એ ધરતી માતા પ્રત્યેના માનવીના પ્રેમને અભિવ્યક્ત કરવાનો પ્રકાર છે. કોઇપણ જાતની અપેક્ષા રાખ્યા વિના આ સૃષ્ટિ પર વસતા સમસ્ત જીવોનું પોષણ કરે છે. તેનો સંદેશ છે કે આપણે સૌ સાવર્ત્રિક પરિવારનો ભાગ છીએ. આ ગ્રહ પર રહેતો પ્રત્યેક જીવ આ સૃષ્ટિ પરની નિવસન તંત્રનો ભાગ છે. જંગલોની કાપણી, પ્રદૂષણ, કુદરતી સંસાધનોના શોષણ જેવી માણસોની અમાનવીય પ્રવૃત્તિઓને કારણે આ પૃથ્વી પર પૂર, દુષ્કાળ, હિમપ્રપાત, દુષ્કાળ, રોગચાળા વગેરે જેવી વિવિધ કુદરતી આફતો સર્જાતી હોય છે જેના કારણે આ પૃથ્વી પર વસતા સમસ્ત જીવોને વેઠવાનો વખત આવે છે. પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારને કારણે માનસિક બીમારીઓ, તાણનું સ્તર, રોગિષ્ટ મનોવૃત્તિ અને જીવનશૈલીના વિકારોમાં સતત વધારો થતો હોય છે જેનું કારણ ફક્ત ને ફક્ત કુદરતની ઉપેક્ષા, માનવીએ કુદરત સાથેનો સંપર્ક ગુમાવી દેતા આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. કુદરત અને પૃથ્વી પ્રત્યેનું તાદાત્મ્ય સાધવા અને તે માટે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણી કરતું હોય છે.જે અંતર્ગત આજે વેલેન્ટાઇન દિને મધર અર્થને પ્રેમ કરોના સંદેશ સાથે એક સાયકલ રેલીનું આયોજન કરાઇ રહ્યું છે. આ સાયકલ રેલી સવારે ૬.૩૦ કલાકે સુસેન સર્કલથી સિંધરોટ તરફ પ્રયાણ કરશે.