દિલ્હી-

મોંઘવારી ભથ્થાની ક્યારે જાહેરાત કરાય એની કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રતીક્ષા ફક્ત આ મહિનામાં એટલે કે ચાલુ ફેબ્રુઆરી 2021 માં સમાપ્ત થઈ શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર થોડા દિવસોમાં તેની જાહેરાત કરાશે.

એમ માનવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ અલાઉન્સમાં 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. લેબર ડિપાર્ટમેન્ટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સની પણ જાહેરાત કરી છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓમાં આશા બંધાઈ છે કે તેઓને વધારાયેલું  ભથ્થું મળશે. મોંઘવારી ભથ્થું કેવી રીતે જાહેર કરવું તે માટે એઆઈસીપીઆઈનો સંદર્ભ માન્ય ગણવામાં આવે છે. 

સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે, એવું એઆઈસીપીઆઈના આધારે કહેવામાં આવી રહ્યું છે. એમ મનાય છે, કે આનાથી સીધા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. સાતમા પગાર પંચ મુજબ જો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય છે, તો તેમના મુસાફરી ભથ્થામાં યાને ટ્રાવેલિંગ એલાઉન્સમાં પણ 4 ટકાનો વધારો થશે પરંતુ 1 જુલાઈ 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને DA આપવામાં આવશે નહિ. યાદ રહે કે, કેન્દ્ર સરકારે એપ્રિલ 2020માં કોરોના સંકટને લીધે મોંઘવારી ભથ્થા પર રોક લગાવી હતી. કેન્દ્રની ઘોષણા મુજબ કેન્દ્રીય કર્મચારીઓને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું ફાળવવામાં આવશે નહીં. 

કેન્દ્રીય કર્મચારીઓને DA અને ડીઆર યાને ડિયરનેસ રિલીફ ચૂકવવામાં આવી રહ્યું નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા છે. DAમાં ચાર ટકાનો વધારો થયા પછી મોંઘવારી ભથ્થું 21 ટકા અને મુસાફરી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો થશે. તેનાથી કર્મચારીઓનો પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે. સમય સમય પર, કેન્દ્ર મોંઘવારી ભથ્થું વધ-ઘટ થાય છે. મૂળભૂત પગારના આધારે ડી.એ.ની ગણતરી કરવામાં આવે છે. આ ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમના ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે. તે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે. આ ભથ્થું એચઆરએ સાથે સંકળાયેલું છે.