ભોપાલ-

કોરોના સામેની લડાઈના ભાગરૂપે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં તો સરકાર જેલના કેદીઓને પણ વેક્સીન લગાવી રહી છે.જાેકે ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ સીમીના ૨૩ આતંકીઓએ વેક્સીન લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ માટે તેમણે ધર્મનુ કારણ આગળ ધર્યુ છે. આ જેલમાં ૯૯ ટકા વેક્સીનેશન થઈ ચુકયુ છે. થોડા દિવસો પહેલા જેલ વિભાગ દ્વારા તમામ જેલોને આદેશ આપવામાં આવ્યો હતો કે, જેલમાં પણ વેક્સીનેશન ઝડપી બનાવવામાં આવે. એ પછી મોટાભાગની જેલોમાં તમામ કેદીઓને વેક્સીન ડોઝ અપાઈ ચુક્યો છે.

ભોપાલની સેન્ટ્રલ જેલના સત્તાધીશોનુ કહેવુ છે કે, સીમીના કેટલાક આતંકીઓ અહીંયા છે અને તેમણે ધર્મની આડ લઈને વેક્સીન લગાવવાની ના પાડી છે. બાકી ભોપાલમાં મુસ્લિમ ધર્મગુરૂઓએ પણ વેક્સીન લગાવવા માટે લોકોને પીલ કરેલી છે. ભોપાલ સેન્ટ્રલ જેલમાં હાલમાં ૩૫૦૦ જેટલા કાચા કામના અને સજા પામેલા કેદીઓ છે. આ પૈકીના કેટલાક કેદીઓ પેરોલ પર બહાર છે. જેલમાં અત્યાર સુધીમાં ૩૪૦૦ કેદીઓને વેક્સીન મુકી દેવાઈ છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં કોરોનાના કેસમાં પણ ઘટાડો થઈ રહયો છે તો તેની સામે બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે.