કેરળ

જાણીતા ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા સિવનનું ૮૯ વર્ષની વયે ગુરુવારે નિધન થયું હતું. તેમના પરિવારએ આ માહિતી આપી હતી. ફિલ્મ નિર્માતા સંગીત સિવન, સંતોષ સિવન અને સંજીવ સિવન તેમના પુત્રો છે. જાણીતા ફિલ્મ નિર્દેશક સંગીત સિવને ફેસબુક પર લખ્યું છે કે, આપ સૌને ખૂબ જ દુ:ખ સાથએ જાણ કરી રહ્યો છુ કે અમારા પિતા સિવને આજે અંતિમ શ્વાસ લીધા.

તેમની એક પુત્રી સરિતા રાજીવ પણ છે. 1959માં તેમણે તિરુવનંતપુરમ સ્ટેચ્યુ જંક્શન ખાતે 'સિવન સ્ટુડિયોઝ' ની સ્થાપના કરી હતી, જે ખૂબ જ લોકપ્રિય અને સાંસ્કૃતિક બાબતો માટેનું પ્રખ્યાત કેન્દ્ર હતું. સિવન કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હતા. તેમણે 1965માં રિલીઝ થયેલી ક્લાસિક મલયાલમ ફિલ્મ 'ચેમ્મીન' માટે તસવીરો લીધી હતી.

તેમણે 1991માં આવેલી 'અભયમ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેણે શ્રેષ્ઠ ચિલ્ડ્રન્સ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, વિધાનસભા અધ્યક્ષ એમ.બી. રાજેશ અને અન્ય નેતાઓએ સિવનના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

મુખ્ય પ્રધાન વિજને પોતાના શોક સંદેશમાં કહ્યું કે, સિવન તેમની સિનેમેટોગ્રાફી પ્રતિભાને કારણે ફિલ્મ જગતમાં એક જાણીતું નામ હતું. વિધાનસભા અધ્યક્ષ એમ.બી. રાજેશે કહ્યું કે, તિરુવનંતપુરમના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હોવાને કારણે તેમણે અનેક ઐતિહાસિક પળોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.