મુરાદનગર દુર્ઘટનામાં મરણાંક વધીને ૨૫ થયો

નવી દિલ્હી, તા. ૪

નવી દિલ્હી પાસેના ગાઝીયાબાદના મુરાદનગર ખાતે ગઈકાલે સ્મશાનઘાટ પરની ગેલેરી તૂટી પડવાના ગમખ્વાર અકસ્માતમાં હવે મરણાંક ૨૫ પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી આદિત્યનાથે ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ હવે સ્મશાનઘાટના મકાનના કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના કાર્યપાલક ઈજનેર સહિતના લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ દુર્ઘટનામાં બાંધકામમાં બેદરકારી દાખવવા બદલ ત્રણ જણાની ધરપકડ કરાઈ છે અને કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.

મુરાદનગરની કરુણ ઘટના જેમના લીધે થઈ છે, એમાં મુરાદનગર પાલિકાની ઈજનેરી ઓફિસર નિહારીકા સિંહ, જૂનિયર ઈજનેર ચંદ્રપાલ, સુપરવાઈઝર આશિષ અને કોન્ટ્રાક્ટર અજય ત્યાગીનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર ઘટના પર દુખ વ્યક્ત કરતાં ટિ્‌વટ કર્યું હતું અને કહ્યું હતું કે, માર્યા ગયેલા લોકોના પરીવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થઈ જાય એવી કામના કરું છું.

રવિવારે મુરાદનગર ખાતેના સ્મશાનઘાટની ગેલેરી તૂટી પડવાથી તેના કાટમાળ નીચે અનેક લોકો દબાયાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.