વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોવિડ રસીકરણ અભિયાન પૂરજાેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આજે રવિવારે ક્લાસ-૧ અધિકારીઓ કોરોના વોરિયર્સ, જિલ્લા કલેકટર, ઓએસડી, પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, જિલ્લાના ડીએસપીથી લઈને સફાઈ કર્મચારીઓ સુધી કોરોના વોરિયર્સને અલગ અલગ કેન્દ્રો પરથી કોરોના વેક્સિન આપવામાં આવી હતી જે પૈકી સેવા સદનના વોર્ડ નં.૯ના કાયમી સફાઈ કર્મચારી યુવાનનું કોરોનાની રસી લીધા બાદ શંકાસ્પદ મોત થતાં પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પાલિકાતંત્રના વહીવટી અધિકારીઓ દ્વારા ફરજિયાત રસી લેવા માટે દબાણ કરાતાં હોવાના ગંભીર આક્ષેપો સાથે હોસ્પિટલમાં ભારે હંગામો મચાવી મૂકયો હતો. યુવાનના મૃતદેહને લેવાની અને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ન મોકલવા માટે જીદ પકડી હતી અને રોકકડ કરી મુકતાં તેમની પત્નીને ચક્કર આવતાં તેણીની સીએમઓ ઓફિસ બહાર જ ઢળી પડી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના વડસર રોડ ઓમ રેસિડેન્સીમાં જિજ્ઞેશભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉં.વ.૩૦) તેની પત્ની દિવ્યાબેન અને બે નાના સંતાનોના પરિવાર સાથે રહેતો હતો. તે મ્યુનિ. કોર્પોેરેશનમાં વોર્ડ નં.૯માં કાયમી સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતો હતો.

આજે શહેર-જિલ્લામાં કોવિડની રસીકરણ અભિયાન આગળ ધપાવવાના ભાગરૂપે ફાળવવામાં આવેલ કેન્દ્ર પૈકી જિજ્ઞેશ સોલંકી સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે કોવિડની રસી મુકાવવા માટે ગયો હતો, જ્યાં તેને રસી લીધા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાને બદલે તરત જ રવાના કરાયો હતો. કોરોનાની રસી લીધા બાદ તે ઘરે ગયો હતો. અંદાજે દોઢ-બે કલાકના સમય બાદ તે ઘરે બેભાન થઈ ગયો હતો, જેથી તેને ૧૦૮ મારફત સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. કોરોનાની રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં જ મૃત્યુ થયાનો રાજ્યમાં આ પ્રથમ સંભવિત કિસ્સો માનવામાં આવી રહ્યો છે. જાે કે, જિજ્ઞેશ સોલંકીના મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ તેમજ તટસ્થ તપાસ બાદ સ્પષ્ટ થશે તેમ તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

પાલિકાનો કર્મચારી હૃદયરોગની બીમારીનો દર્દી હતો ઃ ડો.દેવેશ પટેલ

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી અને કોરોનાના રસીકરણનીવેક્સિનની કામગીરી સાંભળી રહેલા ડો.દેવેશ પટેલે પાલિકાના વોર્ડ-૯ના કર્મચારી જીગ્નેશ સોલંકી ઉમર વર્ષ ૩૦ ને રસી આપ્યા પછી મૃત્યુ નિપજ્યા બાબતે જણાવ્યું હતું કે ,આ કર્મચારી વર્ષ ૨૦૧૬થી હૃદય રોગનો દર્દી હતો.એનું હાર્ટ માત્ર ૩૫ ટકા જેટલું જ કામ કરતુ હતું. જેની સારવાર ચાલુ હતી.કોરોના વોરિયર્સને અપાતી કોરોનાની રસી પહેલા એમના તબીબી રેકોર્ડ વિષે પૂછવામાં આવે છે. પરંતુ એમાં આ કર્મચારીએ પોતાની હૃદય રોગની બીમારી અને એને લગતી સારવારની વાત છુપાવી હતી. તેમ છતાં આ કર્મચારીને રસી અપાયા પછીથી કયા કારણસર મૃત્યુ નીપજ્યું છે. એનું કારણ જાણવાને માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેનો અહેવાલ આવ્યા પછીથી મોતનું સાચું કારણ જાણી શકાશે

વેક્સિન લીધા બાદ મૃત્યુ થયાનો આ સંભવિત પ્રથમ કિસ્સો ઃ સુપ્રિ. ડો. રંજન ઐયર

વડોદરા. કોરોનાની રસી લીધા બાદ જિજ્ઞેશ સોલંકીનું મૃત્યુ થયાના ગંભીર આક્ષેપોને નકારતાં સયાજી હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, મૃતક જિજ્ઞેશ સોલંકીને ત્રણ વર્ષ અગાઉ હાર્ટએટેક આવ્યો હતો અને સયાજી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખાનગી બેન્કર હાર્ટ હોસ્પિટલમાં સારવાર કરવી હતી. એટલે મૃતકને હૃદયની બીમારી હતી. બીમારી અંગે તેઓએ નિયમિત ચેકિંગ અને યોગ્ય કાળજી લેવામાં આવી નહીં હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોવિડ વેક્સિન લીધા બાદ મૃત્યુ થયાનો સંભવિત કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.

સેવાસદન આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને વોર્ડ અધિકારી દોડી આવ્યા

સયાજી હોસ્પિટલમાં મૃતક જિજ્ઞેશ સોલંકીના સગાંસંબંધીઓએ આ બનાવને પગલે પાલિકાના એકપણ અધિકારી આવ્યા ન હોવાથી ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી. જાે કે, થોડા કલાકો બાદ સેવાસદન આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રાજેશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની સૂચનાથી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તદ્‌ઉપરાંત વોર્ડ નં.૯ના ઓફિસર સોલંકી અને સેનેટરી ઈન્સ્પેકટર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વાના આપી અમે તમારી સાથે છીએ તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી હાલના તબક્કે મામલો થાળે પડયો હતો અને મૃતદેહને કોલ્ડરૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કોવિડની રસી લીધા બાદ જ પતિ જિજ્ઞેશનું મોત થયું છે ઃ પત્ની

સોલંકી પરિવારનો મોભી ગુમાવ્યાનું દુઃખ વ્યકત કરી જિજ્ઞેશ સોલંકીની પત્ની દિવ્યા સોલંકી અને બે નાના સંતાનોની માતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મારા પતિ જિજ્ઞેશને કોરોનાની રસી ફરજિયાત મુકાવવાનું હોવાનું જણાવી વોર્ડ નં.૯ની કચેરીથી બારોબાર કોરોનાની રસી મુકાવવા માટે લઈ ગયા હતા. તે રસી મુકાવીને ઘરે આવ્યા બાદ નહાવા માટે ગયો હતો. તેને અચાનક ખેંચ આવતાં તે બેભાન બની ગયો હતો અને બોલવાનું બંધ થઈ ગયું હતું, જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફત સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબીઓ મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારે રસીને કારણે જ પતિનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.