વડોદરા, તા.૮ 

અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં પણ કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. અનેક વેપારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે આજે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન, મધ્ય ગુજરાત વેપાર મંડળ સહિત ૪૧ જેટલા વેપાર-ધંધાના વિવિધ એસોસિયેશનની સંયુકક્ત મિટિંગ આજે મળી હતી. જેમાં સર્વાનુમતે સર્વિસ સેન્ટર, હોલસેલ વગેરેની ઓફિસો સવારે ૯ થી પ, રિટેઈલર્સ, દુકાનો સવારે ૯ થી ૬ અને હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીના વ્યવસાયવાળા રાત્રે ૯ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે જાણ જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. અનલાક-૧ અને રના સમયગાળામાં મોટી સંખ્યામાં વેપારીઓ સંક્રમિત બની રહ્યા છે અને મૃત્યુ પણ થઈ રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી બજારો, દુકાનો, કેટલો સમય ખૂલ્લા રાખવા તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે વિવિધ વેપારી મંડળોની સંયુક્ત મિટિંગનું આયોજન રેસ કોર્સ વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરા વેપાર વિકાસ એસો.ના કન્વીનર પરેશ પરીખે કહ્યું હતું કે, લાકડાઉન દરમિયાન વેપાર-ધંધા થયા નથી એટલે વેપાર તો બચાવવો જ પડશે. બીજી તરફ જિંદગી પણ બચાવવાની છે. આજની મિટિંગમાં મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ, સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો. સહિત ૪૧ વિવિધ વેપાર ઉદ્યોગ ધંધાના એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થત રહ્યા હતા.

આજની બેઠકમાં સંક્રમણ અટકાવવા માટે ગાઈડલાઈન ચુસ્ત પાલન કરવાની સાથે સર્વિસ સેક્ટર, ઓફિસ, હોલસેલ, ડિસ્ટ્રિબ્યુટર્સ વગેરેનો ઓફિસ કામકાજનો સમય સવારે ૯ થી પ, રિટેઈલર્સ, દુકાનો સવારે ૯ થી ૬, જ્યારે સિઝનલ ખાણીપીણી, ફરસાણ વગેરેનો કામકાજનો સમય રાત્રે ૯ વાગ્યા સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં વેપારીઓએ સ્થાનિક કલેકટર અને નગરપાલિકાના સહયોગથી સમય બદલવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટરને પણ વેપારી એસો.ના પ્રતિનિધિ મંડળ દ્વારા મળીને દુકાનો, વેપારના સમય અંગે લેવાયેલા નિર્ણયની જાણ કરી હતી. જિલ્લા કલેકટરે સહયોગ આપવાની ખાતરી આપી હતી.