ગાંધીનગર

ગુજરાતમાં કોરોના સંક્રમણનાં નવા પોઝીટીવમાં થઈ રહેલા સતત ઘટાડાથી રાહતની સ્થિતિ છે. તો બીજી તરફ એ પણ ચિંતા છે કે શું ટેસ્ટ ઘટયા તેનાથી પોઝીટીવ કેસ ઓછા બહાર આવ્યા છે? તમામ મોટા શહેરોમાં હવે હજારોની સંખ્યામાં હોસ્પીટલ બેડ ખાલી છે.ઓકિસજન, રેમડેસિવીરની ડીમાન્ડ પણ નથી પણ ગ્રામીણ ક્ષેત્રમાં હજુ કોરોનાનું વાસ્તવિક ચિત્ર જોવા મળતુ નથી તે પણ વાસ્તવિકતા છે અને હાલ જે નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં 50 ટકા કેસ રાજયના આઠ મહાનગરો બહારના કેસ છે. છેલ્લા બે ત્રણ દિવસથી તો રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ બની રહી હતી તેથીજ વાસ્તવિક ચિત્ર બહાર આવવામાં હજુ વિલંબ થશે પણ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 5246 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.

જે છેલ્લા 39 દિવસનાં સૌથી ઓછા કેસ છે અને સૌથી મહત્વનું એ છે કે કોરોનાના હોટસ્પોટ બની ગયેલા આઠ મહાનગરોમાં 209 દિવસ પછી એટલે કે લગભગ 7 માસ બાદ કુલ કેસના 49% કેસ નોંધાયા છે.જે દર્શાવે છે કે મહાનગર બહાર અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કોરોનાના કેસ વધ્યા છે અને દરેકબે કેસમાં એક બે મહાનગર બહારનાં એરીયા એટલે કે નાના શહેરો કે ગ્રામીણ ક્ષેત્રનો ફાળો વધુ છે. છેલ્લે કોરોનાની પ્રથમ લહેરનાં અંતમાં તા.22 ઓકટોબરનાં આઠ મહાનગરોમાં કુલ પોઝીટીવના 46% નોંધાયા હતા. તે સમયે દૈનિક કેસ 1112 હતા.

મે માસમાં કોરોના પીક પર હશે અને 15 મે બાદ કેસ સતત ઘટતા જશે અને તેવું વાસ્તવમાં બની રહ્યુ છે અને આ માસમાં અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર-જામનગર અને ગાંધીનગરમાં કેસ સતત ઘટતા રહ્યા છે.તા.1 મેના કુલ કેસમાં આ શહેરોનો ફાળો 65% હતો જેમાં 10 મેના ઘટીને 52 ટકા થયો અને તા.19 મેના રોજ ઘટીને 49% થયો છે અને છેલ્લા 42 દિવસનાં સૌથી ઓછા કેસ 25.8 આ આઠ મહાનગરોમાં નોંધાયા છે.