નડિયાદ : નડિયાદ નગરપાલિકા દ્વારા આજે શહેરના વિવિધ નવનિર્મિત બગીચાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. પાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલના હસ્તે આ બગીચાઓ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નડિયાદ શહેર ઈન્દિરા નગરી વિસ્તારમાં ૬૫.૩૨ લાખના ખર્ચે બનાવાયેલા બાગમાં બાળકો માટે હીંચકા, લપસણી, મલ્ટી પ્લે સ્ટેશન, મેરિગો રાઉન્ડ, ડબલ સીસો, સ્પિંગ રાઈડર જેવા સાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે. આ બાગનું નામ સંતરામ બાગ રાખવામાં આવ્યુ છે. 

આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારના કલ્યાણ નગરમાં અંદાજિત ૫૦ લાખના ખર્ચે બાગ બનાવાયો છે. જેનું નામ પરશુરામ બાગ રાખવામાં આવ્યુ છે. જ્યારે ચકલાસી ભાગોળ ખાતે બનાવવામાં આવેલા ૪૨ લાખના બગીચાનું નામ ભગતબાગ રખાયુ છે. ઉપરાંત દાવલિયાપુરામાં બનાવાયેલા સ્પોર્ટસ સંકુલની પાસે પણ બાળકો માટે ૭૦ લાખના ખર્ચે બગીચો બનાવાયો છે. આ બગીચાનું નામ અક્ષર બાગ રાખવામાં આવ્યુ છે.

આ ચારેય બગીચાઓ રાજ્ય સરકારની અમૃતમ યોજના અંતર્ગત નિર્માણ કરાયા છે. જેનું આજે નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને નગરપાલિકાના અન્ય હોદ્દેદારો તેમજ સ્થાનિક કાઉન્સિલરો સહિત ભાજપના કાર્યકર્તાઓ અને સંતરામ મંદિરના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.