ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને પાંચ વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા 9 દિવસ અલગ અલગ વિષયો પર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક જ મંચ પરથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક જ સમયે તે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર પાસે આવેલા નવા બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારમાં 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિકાસની ઉજવણી નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જે રીતે વિકાસનો પાયો નાખી ગયા છે તે વિકાસનો પાયો અમે આગળ વધાર્યો છે, જ્યારે સંગઠનના તમામ જૂના જોગીઓને પણ નીતિન પટેલે યાદ કર્યા હતા. આ ઉપરાંત, જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા, ભૂપેન્દ્ર યાદવ તમામે સરકાર અને સંગઠન એક સાથે મળીને ગુજરાતના વિકાસમાં અવિરત પણે કાર્ય કર્યું છે. વધુમાં નીતિન પટેલે પોતાના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, હું ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હતો અને ત્યારે મે કહ્યું હતું કે, જો દેશ અને રાજ્યનો વિકાસ કરવો હોય તો રાજકીય સ્થિરતા જરૂરી છે, આમ સંગઠનનો સહયોગ અને પ્રજાનું કામ કરવાથી હાલ ગુજરાત ગૌરવવંતુ બન્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન" ની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ રીતે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું.