વડોદરા : મોટા ભાભીએ છેડતી કર્યાની દીયર વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકે આપેલ અરજી મામલે પોલીસમાં હાજર થયેલા દીયરને પોલીસે પટ્ટા અને લાતો વડે માર મારતાં તે સારવાર માટે પોલીસે માર માર્યાના આક્ષેપો સાથે સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં ભોગ બનેલા દીયરના જણાવ્યા અનુસાર વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલ ચીમનલાલ પાર્કમાં રહેતા મોટા ભાઈ મહેશભાઈ રાઠોડ, તેમના પત્ની અને નાના ભાઈ દિનેશ રાઠોડ સહ પરિવારમાં રહે છે. નાનો ભાઈ દિનેશ સયાજીગંજ વિસ્તારમાં ચા-નાસ્તાની લારી ચલાવે છે. તેને ભાભીની મશ્કરી કરી છેડતી કરી હતી, જેથી ભાભીએ દીયર દિનેશ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકે અરજી આપી હતી. જાે કે, દીયર દિનેશ રાઠોડે મોટા ભાઈ મહેશ અને ભાભીની માફી માગી લીધી હતી, પરંતુ પોલીસમાં અરજી આપવામાં આવેલ હોઈ પોલીસે તેનો નિકાલ કરવા માટે દિનેશ રાઠોડને પોલીસ મથકે બોલાવ્યો હતો. જેથી તે પોલીસ મથકે હાજર થયો હતો. જ્યાં પોલીસ મથકે હાજર કર્મચારીએ પીઆઈની કેબિનમાં પટ્ટા વડે હાથ અને પગે તથા બરડાના ભાગે ફટકારી ઢોરમાર માર્યો હતો અને લાતો મારી હતી. પોલીસના મારથી ઈજા પામેલ દિનેશ રાઠોડ મોડી સાંજે સારવાર માટે એકલો સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં તેને તબીબ સમક્ષ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.