દિલ્હી,

દેશમાં માર્ગ અકસ્માતોમાં અસરગ્રસ્તો-ઘાયલોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે નવી મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે જે અંતર્ગત ઈજાગ્રસ્તોને રૂા.2.50 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે. અકસ્માત બાદ ઘાયલોને જીવ બચાવવા માટે પ્રારંભીક કલાકો જ મહત્વના હોય છે. આ 'ગોલ્ડન અવર'માં ત્વરીત અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઉદેશ છે. આ યોજના વિદેશી નાગરિકોને પણ લાગુ પડશે.

ભારતમાં આયુષ્યમાન ભારત વડાપ્રધાન જનઆરોગ્ય યોજનાનું સંચાલન કરતી એજન્સી નેશનલ હેલ્થ ઓથોરીટીને જ નવી યોજના લાગુ કરવા માટે માર્ગ પરિવહન મંત્રાલયે જવાબદારી સોંપી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સારવારના ખર્ચનો હોસ્પીટલો દાવો કરે ત્યારે તેનો હિસાબ એજન્સીએ કરવાનો થશે. તમામ પ્રક્રિયા ઓનલાઈન જ કરવામાં આવશે. 

માર્ગ પરીવહન મંત્રાલય દ્વારા 'મોટર વ્હીકલ રીલીફ ફંડ' ઉભુ કરવામાં આવશે. મંત્રાલય પોતે નાણાકીય યોગદાન આવશે. ઉપરાંત જનરલ ઈુસ્યોરન્સ કંપની પાસેથી પણ ફંડ મેળવશે. 

માર્ગ પરિવહન મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે વીમો ધરાવતા વાહનને અકસ્માત થાય અને હીટ એન્ડ રનના કેસોમાં ઈજાગ્રસ્તોનો સારવાર ખર્ચ જનરલ ઈુસ્યોરન્સ કંપની ઉઠાવશે. જયારે વીમા વગરના વાહનોના અકસ્માતના કિસ્સાઓમાં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ મંત્રાલય ભોગવશે. 

ભારતમાં 2019માં માર્ગ અકસ્માતોમાં 1.49 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પાંચ લાખ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. 15 ટકા બનાવો 'હીટ એન્ડ રન'ના હતા. કાયદા પંચના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે અકસ્માત ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળે તો 50 ટકા મોત ઘટાડી શકાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મફત-કેશલેસ સારવારની યોજના તૈયાર કરી છે. 

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ગરીબ-મધ્યમવર્ગના લોકો તત્કાળ સારવાર ખર્ચના નાણાં પણ ચુકવી શકવાની સ્થિતિમાં હોતા નથી. તેઓને આ સૂચિત યોજનાથી મોટો ફાયદો થઈ શકે છે. 

કેન્દ્ર સરકારની સૂચિત યોજના અંતર્ગત અકસ્માત ઈજાગ્રસ્તોની મફત કેશલેસ સારવાર માટે ખાસ વિભાગ ઉભો કરવામાં આવશે. હોસ્પીટલો દ્વારા પેશ થતા ખર્ચ દાવાની પતાવટ પણ આ વિભાગ હસ્તક જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે અગાઉ જ અકસ્માત ઈજાગ્રસ્તો માટે આ પ્રકારની ગોલ્ડન અવર યોજના લાગુ કરેલી છે જેમાં 50000 સુધીની સારવાર મફત આપવાની જોગવાઈ છે. જોગવાઈનો લાભ મેળવવાના કેટલાંક નિયમો અમલી છે.