વડોદરા, તા.૧૯

વડોદરા કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોએ આ અંગે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતને આ ગોઝારી દુર્ઘટના અંગે પત્ર લખી જણાવ્યું છે કે, તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવ અને તત્કાલીન મેયર ભરત ડાંગરના સમયમાં પીપીપી મોડેલના જેટલા પણ પ્રોજેક્ટ થયા તે તેમની સાથે ઘરોબો ધરાવતા અને વગદાર લોકોને જ કામગીરી સોંપવામાં આવી હતી. પછી તે પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃંદાવન ગાર્ડન ડેવલપ કે સ્માર્ટ સિટી અંતર્ગત જનમહલને ડેવલપમેનટ કે મોટનાથ તળાવને ડેવલપ કરવાનું હોય આ તમામમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં અને પૂર્વઆયોજિત રીતે કરવામાં આવેલા છે.

મોટનાથ તળાવનો મે. કોટિયા પ્રોજેક્ટ સાથે જે કરાર કરવામાં આવેલ તે તાત્કાલિક અસરથી રદ કરવો. આ ઘટનાની તપાસ સિટીંગ જજ દ્વારા કરવામાં આવે. કારણ કે, આ બાબતે અમોએ ભૂતકાળની લીગલ નોટિસો આપેલ છે તેને ગણકારી નથી. જેમાં મોટનાથ તળાવ તે વગદાર વ્યક્તિઓ છે જે પોતાની તરફેણમાં વગ વાપરીને તપાસને નિષ્પક્ષ રીતે થવા નહીં દે.

તમામ જવાબદાર વ્યક્તિઓ પર ફોજદારી કાર્યવાહી કરવી. ગુજરાત સરકાર દ્વારા મૃતકો માટે અને જેઓની સારવાર થઈ રહી છે સહાયની જાહેરાત કરી છે. તે ઉપરાંત પાલિકા પણ આ તમામને મોટી નાણાકીય સહાય પૂરી પાડે અને જેની વસૂલાત ઈજારદાર પાસેથી કરવામાં આવે. આ ડેવલપમેન્ટ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું સુપરવિઝન કરવામાં આવેલ નથી તથા કોન્ટ્રાક્ટની અવગણના કરવામાં આવેલ છે. ટેન્ડરની કન્ડિશનનો ભંગ કરવામાં આવેલ છે તેની સામે અધિકારીઓએ પગલાં લીધાં નથી. એટલે ફરજ પર નિષ્કાળજી બદલ અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

હરણી મોટનાથ તળાવ પીપીપી ધોરણે ડેવલપ કરવા માટેનો જે ઈઓઆઈ મગાવવી તેની શરૂઆતથી અત્યાર સુધીની સ્ટેટ વિજિલન્સ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને પ્રોજેક્ટની શરૂઆતથી અત્યાર સુધી જે પદાધિકારીઓ કે જેઓ નિર્ણય લેવામાં સહભાગી હતા. આ દુર્ઘટના માટે કસૂરવાર ગણી સ્વૈચ્છિક રાજીનામાં આપવા જાેઈએ તેવી માગ કરી છે.