ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાયબર સેલની મદદથી આંતરરાજ્ય સાયબર ચાંચિયાઓની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. વિવિધ બેંકોના ૩૦ જેટલા એટીએમ કાર્ડ, લેપટોપ, મોબાઈલ, ક્લોનીંગ રાઈટર ડિવાઈસ અને એસ.યુ.વી. કાર સહિત રૂપિયા ૭,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

સાયબર ચાંચિયાઓ દ્વારા બેંકોમાંથી બારોબાર ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાના બનાવો વધતા ભરૂચ પોલીસ સાયબર ચાંચિયાઓને ઝડપી લેવા માટે કમર કસી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાયબર સેલની મદદથી ઓનલાઈન ચાંચિયાઓનું પગેરું મેળવી એ.ટી.એમ. કાર્ડને ક્લોન કરી બારોબાર રૂપિયા ઉપાડી લેતી આંતર રાજ્ય ગેંગના પાંચ સભ્યોને દહેગામ ત્રણ રસ્તા ખાતેથી મહિન્દ્રા એસ.યુ.વી.ની લકઝુરીયસ કાર સાથે ઝડપી પાડી સાયબર ચાંચિયાઓની આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.એલ.સી.બી. પી.આઈ. જે.એન. ઝાલાએ તેમની ટીમ સાથે સઘન તપાસ આરંભી હતી. જેમાં તેમણે વિવિધ બેંકોમાં જઈ ગ્રાહકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેનાર અંગેની માહિતી મેળવી તેમના સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી હતી. પોલીસ વિભાગની ટેકનીકલ ટીમ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી સાયબર ચાંચિયા ગેંગની ટોળકીનું પગેરૂં મેળવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ દિવસથી આ ટોળકી ગુજરાતમાં પ્રવેશી હોવાના અહેવાલ મળતા જ પોલીસ વધુ સક્રિય બની હતી. જેમના લોકેશન ભરૂચ અને દહેજની વચ્ચે મળતા એલ.સી.બી. સહિતની ટીમે ભરૂચ-દહેજ વચ્ચે દહેગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી લકઝુરીયસ કાર સાથે સાયબર ચાંચિયા ગેંગના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એલ.સી.બી.એ તલાશી લેતા તેમની પાસેથી એસ.બી.આઈ. એચડીએફસી, બીઓબી, બીઓઆઈ, કોટક, આંધ્રા, યુનિયન, યસ, આઈડીબીઆઇ અને એક્સિસ સહિતની બેંકોના ૩૦ જેટલા ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ તેમની પાસેથી મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી રૂા.૯૬૧૪૦, લેપટોપ, મોબાઈલ અને એટીએમ કાર્ડ ક્લોનીંગ રાઈટર ડિવાઈસ મળી આવતા એસ.યુ.વી. કાર સહિત કુલ રૂપિયા ૭,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેયની ધરપકડ કરી હતી.