વડોદરા, તા.૩

૩જી ડિસેમ્બર એટલે કે દર વરસે ઉજવાતા વિશ્વ દિવ્યાંગ-ડેની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત આજે સયાજી હોસ્પિટલમાં જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૧ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગોને દિવ્યાંગ પૂરકતા સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વ્યક્તિ કુદરત અથવા તો માનવસર્જિત દિવ્યાંગ બનતો હોય છે. ત્યારે આ દિવ્યાંગો પોતાનું જીવન નીડરતાથી જીવી શકે અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશથી સરકાર દ્વારા અપંગતા સહાયક સાધન-સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષ ૩જી ડિસેમ્બર-ર૦રરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું, જે મુજબ વરસોથી ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા વર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી સાધન-સહાય દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તબીબ અધિક્ષક ડો. ઐયર, આરએમઓ ડો.આર.બી.શાહ, જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૧ જેટલા દિવ્યાંગોને સહાયક સાધનો એનાયત કરાયા હતા જેમાં શ્રવણ યંત્રો, કૃત્રિમ અવયવો, ઓર્થોસીસ, વ્હીલચેર આપવામાં આવી હતી. દિવ્યાંગ લાભાર્થીઓને જીવનનિર્વાહ માટે સાધનસહાય મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી.