વડોદરા : પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારાને પગલે જીવન-જરૂરી ચિજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવને લઈ વધતી જતી મોંધવારીના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે. આજે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આપના કાર્યકરોએ દેશ ઉપર દયા કરો, પેટ્રોલ-ડીઝલ સસ્તુ કરો..જેવા સુત્રોચ્ચાર કર્યા સાથે વધતી મોંધવારી સામે અનોખી રીતે વિરોધ કર્યો હતો.સૂત્રોચ્ચાર કરી રહેલા આપના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલીન્ડર તેમજ જીવન જરૂરી ચિજવસ્તુઓમાં થયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં-દેખાવોનો કાર્યક્રમ યોજ્યો હતો. બેનરો, પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોંઘવારી સામેના આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા.. આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં પેટ્રોલ સસ્તા હુવા કી નહિં...ડિઝલ સસ્તા હુવા કી નહિં...તેવા કટાક્ષ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. અને સામે આપના કાર્યકરોએ નહી હુવાના સૂત્રચ્ચાર કરીને મોંઘવારી સામે અનોખી રીતે દેખાવો યોજ્યા હતા.