લખનૌ-

કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યૂનો કહેર વર્તાય રહ્યો છે. ડેન્ગ્યૂના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ફિરોઝાબાદમાં સ્થિતિ જોખમી બની રહી છે. શુક્રવારે 24 કલાકની અંદર પ્રદેશભરમાં 263 દર્દીઓનો ડેન્ગ્યૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફિરોઝાબાદમાં જ 170 લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવી ગયા છે. અહીં 5 દર્દીઓના મોતના પણ સમાચાર છે.

UPમાં ડેન્ગ્યૂનો નવો સ્ટ્રેન ડી-ટૂ મળી આવ્યો છે. ICMRના આ ખુલાસાથી સ્વાસ્થ્ય વિભાગમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના DG ડો. વેદવ્રતે જણાવ્યું કે પ્રદેશમાં 263 નવા ડેન્ગ્યૂના દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 170 દર્દીઓ ફિરોઝાબાદના છે. 1 જાન્યુઆરીથી અત્યારસુધી ડેન્ગ્યૂના 1900થી વધુ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. પ્રભાવિત જિલ્લાઓમાં લખનઉની એક્સપર્ટ ટીમ મોકલાવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં સારવાર માટે મફત વ્યવસ્થા કરવામાં આવી છે. તાવના દર્દીઓનો ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે.