અમદાવાદ-

કોંગ્રેસની આખી પેનલ માત્ર વોર્ડ નં.૬ , ૧૫ , ૧૬ અને ૧૮માં જ ડિપોઝીટ બચાવી શકી , વોર્ડ નં.૩ , ૮ અને વોર્ડ નં.૯માં પ્રચંડ જનાદેશમાં કોંગ્રેસની આખી પેનલની ડિપોઝીટ તણાઈ: ગાયત્રીબા વાઘેલા જેવા ધુરંધરો પણ ડિપોઝીટ બચાવવામાં નિષ્ફળ

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાં શહેરીજનોએ ભાજપ તરફી આપેલા પ્રચંડ જનાદેશમાં કોંગ્રેસને ગત ચૂંટણીની સરખામણીએ ૩૦ બેઠકોની નુકશાની થવા પામી છે. માત્ર એક વોર્ડમાં ચાર ઉમેદવારો જીતતા કોંગ્રેસનું નાક બચી ગયું છે. બીજી નોંધપાત્ર બાબત એ રહી કે કોંગ્રેસના કુલ ૭૦ ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યાં હતા જે પૈકી ૩૭ ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી તો આ આદમી પાર્ટીના ૭૨ પૈકી ૭૮ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી છે. શહેરના ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ૨૯૩ ઉમેદવારો પૈકી ૧૮૫ ઉમેદવારોની ડિપોઝીટ પ્રચંડ જનાદેશમાં તણાઈ જવા પામી છે. ચૂંટણીપંચના નિયમ મુજબ કુલ મતદાનના ૧૦ ટકા મત પ્રાપ્ત ન કરનાર ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થાય છે. જેમાં શહેરના ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડતા ૨૯૩ ઉમેદવારો પૈકી ૧૮૫ ઉમેદવારોની ડિપોઝીટ પ્રચંડ જનાદેશમાં ડુલ થઈ છે.