વડોદરા, તા.૧૪

નવરાત્રી તથા દશેરા પર્વને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફુડ સેફટી ઓફિસર્સની ત્રણ ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાફડા જલેબીનું વેચાણ કરતા ઉત્પાદકો તથા દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે મરચા પાઉડર તથા છૂટક દૂધનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. આ તમામ સ્થળેથી પાલિકાની ટીમે ૧૨૫ જેટલા સેમ્પલો કબ્જે લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ફતેગંજ, કડક બજાર, ઇલોરાપાર્ક, રાજમહેલ રોડ, ન્યુ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારની ૭૮ જેટલી દુકાનો તથા ઉત્પાદકોને ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાફડા, જલેબી, બેસન, તેલ, ચોરાફળી ચટણી, સહિતના ૧૨૫ સેમ્પલ કબજે લઇ પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ૫ કિલો પેપર પસ્તી અને ૧૫ કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના નવા બજાર, મકરપુરા, આજવા રોડ, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારમાં છૂટક વેચાતા દૂધની ૧૨ દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાંથી ૧૨ સેમ્પલ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે મરચા પાવડર સંદર્ભે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાથીખાના બજાર ખાતેની ધન ગુરૂ એન્ટરપ્રાઇઝ તથા ચોખંડી વિસ્તારમાં પાયલ ટ્રેડર્સ ખાતે દરોડા પાડી મરચા પાવડરના ૩ સેમ્પલ કબજે કરી રૂપિયા ૫૦ હજાર ઉપરાંતની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.